ગીર સોમનાથ ચારેય કોરથી કૃષ્ણમય બન્યું કારણ કે, આહિર સમાજના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ સહિત આહિરોના આત્મ કલ્યાણ માટે પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળાએ તર્પણ કર્યું. પ્રાચીન પ્રાચી તીર્થ હાલના ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકા આવેલુ છે. આટલું જ નહીં આગામી 23 અને 24 ડિસેમ્બરે દ્વારકાના આંગણે હજારો આહિર બહેનોએ રાસ રમવાનું પણ આયોજન કર્યું છે.
આ રાસ થકી દ્વારકામાં 5 હજાર વર્ષ જૂનો ઇતિહાસ ફરી જીવંત થશે. પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાના આંગણે 16 હજાર ગોપીઓ રાસ રમ્યા હતા. ત્યારે યદુવંશી આહિર સમાજના 37 હજારથી વધુ બહેનોનું રાસ માટે રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સમગ્ર રાજ્યભરમાંથી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં શ્રી કૃષ્ણના ચરણોમાં રાસ રમશે. જેને લઇ તડામાર તૈયારીઓ કરાઇ છે.
પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ મનાય છે. જ્યાં ચંદ્રએ તપસ્યા કરીને ભગવાન સોમનાથની સ્થાપના કરી તો દ્વારકાધીશે પણ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ પસંદ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને ભાઇ બલરામ સહિત યદુકુળ યૌદ્ધાઓએ પ્રભાસ તીર્થમાં માનવ લીલાને વિરામ આપ્યો હતો. જેને લઇ રાજ્યભરમાંથી આહિર બહેનોએ તમામ યદુવંશી યોદ્ધાઓને મહારાસ પૂર્વે મોક્ષ-ગતિ અને શ્રદ્ધાથી યાદગીરી રૂપે પ્રાચી તીર્થમાં દીવડા પ્રગટાવ્યા. તેમજ મોક્ષ પીપળાએ પાણી પીવડાવી મંત્ર ધૂન સાથે તર્પણ કર્યું. ત્યારે સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો.
આ પણ વાંચો : કષ્ટભંજન દાદાને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો અનોખો લ્હાવો, ભક્તોએ અનુભવી ધન્યતા
માન્યતા એવી છે, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં અવતરિત થયા હતા. ત્યારે 16 હજાર બહેનોનો મહારાસ યોજાયો હતો. ત્યારે ફરી એક વાર આહિર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઇષ્ટદેવના ચરણોમાં ડિસેમ્બરમાં ફરી રાસ રમાશે અને તે પહેલા પ્રાચી તીર્થ એટલે સૂત્રાપાડા ખાતે મોક્ષ પીપળાએ તર્પણ કરાયું.
Input Credit- Yogesh Joshi- Gir Somnath