Gandhinagar: ગુજરાત વિધાનસભા સત્રમાં (Assembly Session)આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ (Budget ) રજુ કરશે. ત્યારે આજે શરૂ થનાર બજેટ સત્ર પહેલા વિપક્ષ દ્વારા તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો (Par-Tapi-Narmada Link Project) વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે વિપક્ષે વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિપક્ષનો દાવો છેકે સરકાર માત્ર આદિવાસીઓને લોલીપોપ આપી રહી છે. અને, આ યોજના રદ કરાઈ નથી. આદિવાસીઓને માત્ર ભોળવવાનો સરકાર પ્રયાસ કરી રહી હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે. તો વિપક્ષે માગ કરી છેકે સરકાર યોજના રદ કરવાને લઇ શ્વેત પત્ર બહાર પાડે. અને, કેન્દ્ર સરકાર આ અંગે જાહેરાત કરે. અને, જયાં સુધી આ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
નોંધનીય છેકે ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કરશે. ગયા વર્ષ 2021-2022ની સરખામણીએ આગામી વર્ષના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાય તેવી સંભાવના છે. 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત સરકાર, તેની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાની સાથે, નાણાકીય ફાળવણી પણ વધારશે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ જાહેર કરશે.
આ પણ વાંચો : યુક્રેનથી ગુજરાતના 220 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે જીતુ વાઘાણીએ તમામને આવકાર્યાં
Published On - 12:22 pm, Thu, 3 March 22