Gandhinagar : પેપરલીક વિધેયકનું વિપક્ષ કોંગ્રેસે કર્યુ સમર્થન, કહ્યુ રાજ્ય સરકાર બહાર પાડે શ્વેતપત્ર

|

Feb 23, 2023 | 5:38 PM

Gandhinagar: ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાનું વિધેયકનું સમર્થન કરતા અમિત ચાવડાએ કહ્યુ કે કોઈ ચમરબંધી છટકી ન જાય એ રીતે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ચર્ચા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાવુક થયા હતા. તેમણે GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની કામગીરીના વખાણ કર્યા હતા.

બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં આજે ભરતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં વિધેયક રજૂ કર્યુ. ત્યારે વિપક્ષ તરફથી અમિત ચાવડાએ શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. અમિત ચાવડાએ જણાવ્યુ કે પરીક્ષાની જોગવાઈમાં સુધારો લાવવો જોઈએ. પેપરલીક વિધેયકને સમર્થન આપતા અમિત ચાવડાએ જણાવ્યુ કે બિલને અમારુ સમર્થન છે પરંતુ કોઈપણ ચમરબંધી છટકી ન જાય એ રીતે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

પરીક્ષાર્થીઓની ફી માફીની પણ કોંગ્રેસે કરી માગ

આ સાથે અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો કે રાજ્ય સરકાર 2 લાખ કરોડથી વધુનું બજેટ લાવે છે તો શું પરીક્ષાર્થીઓની ફી માફી ન કરી શકે? આ સાથે તેમણે જણાવ્યુ કે ભરતી પ્રકિયામાં કેલેન્ડરનો અમલ થાય તે જરૂરી છે. તેમણે જણાવ્યુ કે અમે સૂચવેલા સુધારાઓને સરકાર ગંભીરતાથી લે. ખાનગી, પ્રકાશનો, એજન્સી અને પ્રેસનો પણ કાયદામાં સમાવેશ કરવો જોઈએ.

પેપરલીક પર ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયા થયા ભાવુક

પેપરલીક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાવુક થયા હતા અને તેમણે પોતાના કોલેજકાળ દરમિયાન શિક્ષકોનું ઉદાહરણ આપ્યુ હતુ. અર્જુન મોઢવાડિયાએ GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની કામગીરીને બિરદાવતા જણાવ્યુ કે તેમના કાર્યકાળ દરમિયાન સફળ રીતે પરીક્ષા યોજાઈ હતી. વધુમાં મોઢવાડિયાએ જણાવ્યુ કે અમુક લોકોને કારણે જ પરીક્ષાઓ બદનામ થાય છે. આજે નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ કામ કરી રહ્યા છે તો લોકોને તકલિફ થઈ રહી છે.

આ પણ વાંચો:હવે UPSCની પેટર્ન મુજબ લેવાશે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા, પેપરલીકની ઘટનાઓને રોકવા નિર્ણય

દાખલો બેસાડવો હોય તો કાયદાનો અમલ 2014થી લાવવામાં આવે-અમિત ચાવડા

આ તકે અમિત ચાવડા સરકાર પર પ્રહાર કરવાનુ ચુક્યા ન હતા. તેમણે પ્રહાર કર્યો કે ભાજપને જે ગતિથી બહુમતી મળી તે જ ગતિથી પેપર ફુટ્યા છે. પ્રજાને લાગ્યુ કે 13 પેપરકાંડ બાદ પણ સરકારે શીખ ન લીધી. દાખલો બેસાડવો હોય તો અમલની તારીખ 2014થી મુકવામાં આવે. તેમણે જણાવ્યુ કે 2014માં GPSC અને 2015માં તલાટીની પરીક્ષાનું પેપર ફુટ્યુ હતુ. 2018માં TAT, TET, LRD ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. 2020માં ગૌણ સેવા પસંદગી બિનસચિવલયની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતુ.

Published On - 5:37 pm, Thu, 23 February 23

Next Video