હવે UPSCની પેટર્ન મુજબ લેવાશે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા, પેપરલીકની ઘટનાઓને રોકવા નિર્ણય
Gandhinagar News : કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોની અલગ-અલગ કેડર માટે એક જ પરીક્ષા લેવાય છે. આ પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પણ વિવિધ વિભાગોની અલગ-અલગ ડેકર માટે એક જ પરીક્ષા લેવાના મોડલનો અભ્યાસ લગભગ પૂર્ણતાના આરે છે.
ગુજરાત સરકાર હવે કેન્દ્ર સરકારની યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) પેટર્ન મુજબ ભરતી પરીક્ષા યોજવાનો વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોની અલગ-અલગ કેડર માટે એક જ પરીક્ષા લેવાય છે. આ પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પણ વિવિધ વિભાગોની અલગ-અલગ ડેકર માટે એક જ પરીક્ષા લેવાના મોડલનો અભ્યાસ લગભગ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકાર નવી ભરતી પ્રક્રિયા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. ગુજરાતમાં પેપરલીક સહિતના મુદ્દાના નિવારણ માટે વ્યવસ્થિત તંત્ર ગોઠવાશે.
વિવિધ વિભાગોની અલગ-અલગ કેડર માટે એક જ પરીક્ષા લેવાઈ શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) પેટર્ન મુજબ ગુજરાતમાં ભરતી પરીક્ષા યોજવાની જાહેરાત ટુંક સમયમાં જ કરી શકે તેમ છે. આ અંગેનો નિર્ણય સરકાર બજેટ સત્રમાં લે તેવી સંભાવના છે.
બજેટ સત્રમાં સરકાર લાવી શકે છે કાયદો
મહત્વનું છે કે ગુજરાતમાં પરીક્ષાના પેપર લીક કરનારની હવે ખેર નથી. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી બજેટ સત્રમાં પેપર લીક મામલે વિધેયક લાવી કડક કાયદો બનાવાની તૈયારી ચાલી રહી છે. ભરતી પરીક્ષાનું પેપર વેંચનારને 7 વર્ષની સજા અને પેપર ખરીદનારને 3 વર્ષની સજાની જોગવાઇ પણ થાય તેવી શક્યતા છે. સાથે જ UPSCની પેટર્ન મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા લેવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.