Gandhinagar: OBC અનામત બિલ વિધાનસભામાં થયુ પાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે OBC સમાજને 27 ટકા અનામત

|

Sep 15, 2023 | 10:58 PM

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC ઉમેદવારને 10 ટકાના બદલે 27 ટકા અનામત આપવાના સુધારા સાથેનું OBC અનામત વિધેયક બહુમતીથી પાસ થયુ છે. બિલ પર વોટિંગ સમયે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો વોક આઉટ કરી ગયા હતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ બિલને ઐતિહાસિક ગણાવ્યુ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ 27 ટકા અનામતનો વિરોધ કરતા જણાવ્યુ કે 40 ટકા જેટલી અનામત મળવા પાત્ર છે જે નથી આપવામાં આવી.

Gandhinagar: વિધાનસભામાં ચોમાસુ સત્રના ત્રીજા દિવસે OBC અનામત બિલ (OBC Reservation Bill ) બહુમતીથી પાસ થયુ છે. ગૃહની કાર્યવાહી દરમિયાન બપોર બાદ કાયદામંત્રી ઋષિકેશ પટેલે આ બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમા કોંગ્રેસ દ્વારા 27 ટકા અનામતનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને આપના ધારાસભ્યોની ગેર઼હાજરીમાં OBC અનામત બિલ ગૃહમાં પાસ થયુ છે. રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ વિધેયકને આજે ગૃહમાં રજૂ કરાયુ હતુ અને કોંગ્રેસના વિરોધ વચ્ચે આ બિલ આજે પાસ થયુ છે.

બિલ મુદ્દે શું કહ્યુ ઋષિકેશ પટેલે ?

ઋષિકેશ પટેલે જણાવ્યું કે 1976માં બક્ષી કમિશન બનાવાયું હતું અને 82 જાતિને અનામત આપવાની ભલામણ કરી હતી. એ સમયે માધવસિંહની સરકારે અમલવારી કરવાનું ટાળ્યું હતું. બાદમાં જનતા દળની સરકારે 1978ના ઠરાવથી અનામત આપી. 1980થી 1985 સુધી માધવસિંહની સરકારમાં કોઇ પગલાં ન લેવાયાં. કોંગ્રેસને ગુજરાતમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે જ અન્યાય કર્યો. ચીમનભાઈની સરકારમાં પણ 10%થી વધુ આગળ ન વધી શક્યા. કોંગ્રેસનો ઈતિહાસ OBC માટે ક્યારેય સારો રહ્યો નથી.  1993માં આ જ વિધાનસભામાં વિધેયક લાવવામાં આવ્યું ત્યારે અમારા પક્ષે જ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. ભાજપના ધારાસબ્ય પ્રવીણ માળીએ કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં OBC અનામતની શું સ્થિતિ છે તે તેમણે સ્પષ્ટ કરવુ જોઇએ.

શું બોલ્યા અમિત ચાવડા?

અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો કે 27 ટકા OBC અનામત બિલમાં ભાજપની ભેદભાવભરી નીતિ સ્પષ્ટ થાય છે. સરકાર ઝવેરી પંચની ભલામણોને છુપાવવા માગે છે. સુપ્રીમ કોર્ટ અને ઝવેરી પંચના રિપોર્ટને સરકાર ઘોળીને પી ગઈ છે. ચાવડાએ આરોપ લગાવ્યો કે OBC સમાજને અન્યાય કરવા ફ્લેટ 27 ટકા અનામત બિલ લાવવામાં આવ્યું છે. ચાવડાએ જણાવ્યુ કે OBC સમાજને 40 ટકા જેટલી અનામત મળવા પાત્ર છે પરંતુ સરકાર OBC સમાજ સાથે ભેદભાવ કરી રહી છે આથી આ વિધેયકનો વિરોધ કરી વોકઆઉટ કર્યો છે.

સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે

સરકાર ઝવેરી પંચની ભલામણોને છુપાવવા માંગે છે- ચાવડા

અમિત ચાવડાએ જણાવ્યુ કે જો ખરેખર OBC સમાજને ન્યાય આપવા માગતા હોય તો ઝવેરી પંચનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ. સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ આપવા તૈયાર નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે 10 ટકા અને 27 ટકા ફ્લેટ આપવાના બદલે  સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ યુનિટ દીઠ OBC સમાજની વસ્તી મુજબ અનામત આપવી જોઈએ. કોંગ્રેસે માગ કરી કે સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વસ્તીના આધારે અનામત નહીં આપીને છેલ્લા 30 વર્ષથી OBCને અન્યાય કરાઈ રહ્યો છે.  કોંગ્રેસે માગ કરી કે રાજ્યમાં સાચા અર્થમાં OBCને ન્યાય આપવો હોય તો રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. OBC સમાજને વસ્તીના ધોરણે બજેટમાં ફાળવણી કરો, સતત બજેટ ફાળવણીમાં અન્યાય બંધ કરો.

8 મહાનગરપાલિકામાં 40 ટકા, નગરપાલિકામાં 53 ટકા અને PESA એક્ટ સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં 54 ટકા OBC વસ્તી છે. જેટલી વસ્તી એ મુજબ 49 ટકાથી વધે નહીં એ રીતે અનામત આપવાની માગ હતી. ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ માનવા તૈયાર નથી. સરકારે આદિવાસી સમાજ અને OBC સમાજને અન્યાય કર્યો છે.

AAP ધારાસભ્ય હેમંત ખવાનું OBC બિલ અંગે નિવેદન

OBC અનામત બિલ પર AAP ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યુ કે જાતિ આધારીત વસ્તી ગણતરીની માગ હતી. યુનિટની વસ્તી આધારે 49 ટકાની મર્યાદામાં અનામત આપવાની માગ હતી. તેમજ ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની માગ ન સ્વીકારતા વોકઆઉટ કર્યો.

આ પણ વાંચો:  Gujarati Video: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભામાં પાસ થયુ APMC સુધારા વિધેયક, કરાયા આ મહત્વના સુધારા

વિપક્ષના આરોપ પર મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા જણાવ્યુ કે કર્ણાટક અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે પણ OBC અનામત બિલ લાવવુ જોઈએ. આ બિલથી PESA એક્ટ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજની બેઠકોમાં કોઈ ઘટાડો નહીં થાય. બધા જ વિભાગની ગણતરી કરવામાં આવે તો અંદાજિત 60 ટકા બજેટ OBC સમાજ પાછળ વપરાય છે. આયોગની ભલામણોનો સ્વીકાર કરી જલ્દી ચૂંટણીઓ થાય એ માટે 27 ટકા અનામત લવાઈ. વધુમાં ઋષિકેશ પટેલે ટકોર કરી કે આ બિલને હવે કોર્ટમાં રોકવાનો પ્રયત્ન ન થાય તેવી આશા છે. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા મંત્રીએ કહ્યુ કે શરૂઆતમાં લાગ્યુ કે કોંગ્રેસ બિલથી ખુશ છે પરંતુ નરેન્દ્ર મોદીને જશ જાય તે કોંગ્રેસને ગમતુ નથી. મિત ચાવડાએ પત્રમાં ૨૭ ટકાની માંગ કરી હતી, હવે રેફરન્સથી ફરી જાય છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article