Gandhinagar : 11 માસનું તરછોડાયેલું બાળક મળ્યું, નિર્દયી માતાપિતાની માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો કરો સંપર્ક
બાળક કયા વિસ્તારનું છે? કોનું છે? શા માટે તરછોડી દેવાયું? આ તમામ સવાલોનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા છે. પણ તેમાં બાળકને મૂકી જનાર સ્પષ્ટ દેખાતો ન હોવાથી પોલીસને તેની શોધખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
એક તરફ આજે અનેક નિસંતાન માતા-પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે તેમનું આંગણું બાળકના કિલ્લોલથી ગુંજી ઉઠે. પણ બીજી તરફ ગાંધીનગરમાં તદ્દન વિરોધી કહી શકાય તેવી ઘટના ઘટી છે. ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી બિનવારસ હાલતમાં બાળક મળી આવ્યું છે. હાલમાં સ્થાનિક ભાજપના મહિલા કોર્પોરેટર અને મહિલા પોલીસ બાળકની સંભાળ લઈ રહ્યા છે. ઘટનાને 12 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે. પરંતુ માતા-પિતા કે કોઈ સગુ-વ્હાલુ બાળકને લેવા આવ્યું નથી.
બાળક કયા વિસ્તારનું છે? કોનું છે? શા માટે તરછોડી દેવાયું? આ તમામ સવાલોનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા છે. પણ તેમાં બાળકને મૂકી જનાર સ્પષ્ટ દેખાતો ન હોવાથી પોલીસને તેની શોધખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે પોલીસ આસપાસના વિસ્તારો સહિત શંકાસ્પદ સ્થળોએ બાળકને મૂકી જનારની શોધખોળ કરી રહી છે. રાત્રે જ્યારે બાળક રડી રહ્યું હતું ત્યારે તેને સૌથી પહેલા જોનાર ગૌશાળાના એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.
જે નિર્દયી માતા-પિતાએ પોતાના અંગત સ્વાર્થ માટે બાળકને તરછોડી દીધુ છે. તેમને બાળકની કિંમત નથી સમજાતી. પરંતુ જે લોકો વર્ષોથી નિઃસંતાન છે. તેઓ પોતાના ઘરમાં બાળકનો કિલકિલાટ સાંભળવા આતુર છે. આવું જ એક દંપતી પેથાપુરમાં છે. જેણે બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પોતાના ઘરે બાળક ન હોવાથી આ દંપતીની ઈચ્છા છે કે તેમનું આંગણું આ બાળકના પાવન પગલાંથી હર્યું ભર્યું થાય.