આગામી 17 ઓગસ્ટથી, ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

અમદાવાદના સાબરમતીથી વેરાવળ સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદના ગાંધીગ્રામ થઈ ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા , જુનાગઢ થઈને વેરાવળ પહોચશે. આ રેલવેને કારણે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થી હવે એક જ દિવસમાં જ્યોતિલિગના દર્શન કરી સરળતાથી અમદાવાદ પરત આવી શકશે. 

આગામી 17 ઓગસ્ટથી, ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
| Updated on: Jul 23, 2026 | 6:11 PM

રેલવે મંત્રાલયે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓની સુવિધા અને યાત્રીઓને ઝડપી, આધુનિક અને આરામદાયક રેલવે સેવા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ હેઠળ ટ્રેન નંબર 26901/26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન વર્તમાનના વિરમગામ-સુરેન્દ્રનગર-જેતલસર-જૂનાગઢ માર્ગને બદલે ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ માર્ગથી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ફેરફાર કરાયેલ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 17 ઓગસ્ટ 2026 થી આરંભ થશે. નવા માર્ગથી ફક્ત સોમનાથ જનારા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળવાની સાથેસાથે, ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પણ પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની આધુનિક અને વિશ્વસ્તરની યાત્રાનો લાભ મળશે.

ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ 2026 થી સાબરમતીથી સવારે 06:00 કલાકે પ્રસ્થાન કરશે તથા 06:16 કલાકે ગાંધીગ્રામ અને 12:50 કલાકે વેરાવળ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી 15:50 કલાકે પ્રસ્થાન કરશે તથા 21.50 કલાકે ગાંધીગ્રામ અને 22:25 કલાકે સાબરમતી પહોંચશે.

આ રેલવે સ્ટેશને ઊભી રહેશે વંદે ભારત એક્સપ્રેસ

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. આ વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા

આ ટ્રેનનું સમયપત્રક વિશેષ રૂપે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. યાત્રી સવારે સાબરમતીથી પ્રસ્થાન કરી બપોર સુધી વેરાવળ પહોંચીને ભગવાન સોમનાથના દર્શન કરી શકશે તથા એ જ દિવસે બપોર પછી વેરાવળથી પરત થઈ રાત્રી સુધી સાબરમતી પરત આવી શકશે. આનાથી એક જ દિવસમાં દર્શન કરી પરત આવવું પહેલાની સરખામણીમાં વધુ સુવિધાજનક થઈ જશે.

ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનને પહેલી વાર વંદે ભારત એક્સપ્રેસની ભેટ

બ્રોડગેજ પરિવર્તનની સાથે ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનના યાત્રીઓને પહેલી વાર દેશની સૌથી આધુનિક સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરવાનો અવસર મળશે. આનાથી ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા મહત્વના સ્ટેશનોના યાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક રેલવે યાત્રાનો લાભ મળશે.

પ્રાદેશિક કનેક્ટિવિટીને મળશે નવું પરિમાણ

ફેરફાર કરાયેલ માર્ગથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ધાર્મિક પર્યટન અને વેપારી કેન્દ્રો વચ્ચે સંપર્ક વધુ સુદ્રઢ થશે. યાત્રા સમયમાં ઘટાડો થવાની સાથે-સાથે યાત્રીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ ઝડપી અને સુવિધાજનક રેલવે સેવા ઉપલબ્ધ થશે, જેનાથી પ્રદેશના સામાજિક, ધાર્મિક અને આર્થિક વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે.

Video News : કુદરતી નહીં મેન મેડ ડિઝાસ્ટર, અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની સુચનાઓને ઘોળીને પી ગયા હોવાથી વોટર લોગિંગની સ્થિતિ- થલતેજના રહીશોનો આક્ષેપ

 

Follow Us