Gujarat Election: પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી

|

Oct 28, 2022 | 3:46 PM

મહેન્દ્રસિંહ વાઘેલાને પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા. મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે નફરતની રાજનીતિને હરાવવા અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આ પહેલા 2017માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જો કે આજે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહત્વનું છે કે વર્ષ 2017માં શંકરસિંહ વાઘેલા બાદ મહેન્દ્રસિંહે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

મહેન્દ્રસિંહ વાઘેલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા. મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે નફરતની રાજનીતિને હરાવવા અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો. 2017ની ચૂંટણીમાં તે સમયની સ્થિતિ અને સામૂહિક નિર્ણયના કારણે કોંગ્રેસ છોડ્યાનું પણ સ્વીકાર્યું. મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે ભાજપમાં વધુ સમય કામ કરવા માટે મારુ મન માનતુ ન હતુ. જેથી મે પાંચ વર્ષ દરમિયાન કોઇપણ કાર્યક્રમમાં સામેલ થવુ કે કોઇપણ કાર્યકરને મળ્યા હોય તેવુ બન્યુ નથી. જેથી હવે કોઇ પણ શરતો વગર હું કોંગ્રેસમાં સામેલ થયો છુ.’ પિતા શંકરસિંહના પોતાની સાથે આશીર્વાદ હોવાનું જણાવી મહેન્દ્રસિંહે કહ્યું કે કોઈ શરત સાથે પાર્ટીમાં જોડાયો નથી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાથી નિભાવીશ.

મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ MLA હોવાની સાથે પૂર્વ CM અને પૂર્વ કોંગ્રેસ નેતા રહી ચુકેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. થોડા સમય પહેલા શંકરસિંહ વાઘેલા તરફથી પણ કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ થઇ હતી. આજે મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસમાં સામેલ થયા છે ત્યારે આગામી સમયમાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે.

Next Video