Gandhinagar: કેન્દ્રીય પ્રધાનોની જેમ હવે રાજ્ય સરકારના પ્રધાનો પણ કાઢશે જનઆશીર્વાદ યાત્રા, જાણો વિગત
આગામી વિધાનસભાની ચૂંટણીને એકથી દોઢ વર્ષ બાકી છે સરકારનો એક નવતર પ્રયોગ જોવા મળશે. કેન્દ્રીય પ્રધાનોની જેમ હવે રાજ્યના પ્રધાનો પણ કરશે જનઆશીર્વાદ યાત્રા.
રાજ્ય સરકાર હવે કેન્દ્ર સરકારના પગલે ચાલી રહી છે. માહિતી અનુસાર કેન્દ્રીય પ્રધાનોની જેમ હવે રાજ્ય સરકારના પ્રધાનો પણ જનઆશીર્વાદ યાત્રા કાઢવાના છે. જી હા સરકારના તમામ પ્રધાનો 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન જનઆશીર્વાદ યાત્રા કરશે. તમને જણાવી દઈએ કે દરેક પ્રધાનોને 3થી 4 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલ છે. જેમાં પોતાના મતવિસ્તાર સિવાય અન્ય 2 જિલ્લામાં મંત્રીઓ જશે. આ યાત્રા દરમિયાન રાજ્ય પ્રધાનો કાર્યકરો અને આગેવાનો વચ્ચે જશે તેમજ જનના આશીર્વાદ લેશે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગર મનપા ચૂંટણીમાં જવાબદારી ન હોય તેવા મંત્રીઓની યાત્રા 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન યોજાશે. બાદમાં ગાંધીનગર મનપા ચૂંટણીમાં જવાબદારી વાળા મંત્રીઓ જનયાત્રામાં જશે. જે 3 થી 5 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
તમને જણાવી દઈએ કે અગાઉ કેન્દ્રીય પ્રધાનો આવ્યા હતા અને તેઓએ અલગ અલગ જિલ્લાની જનઆશીર્વાદ યાત્રા કરી હતી. આ જ રીતે ભૂપેન્દ્ર પટેલની ટીમ એટલે કે નવું મંત્રીમંડળ આગામી 2 દિવસ એટલે કે સોમવારે અને મંગળવારે વિધાનસભા ચોમાસુ સત્રમાં ભાગ લેશે. ત્યાર બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પર ધ્યાન આપશે અને તેના કેમ્પેઈનમાં તેઓ લોકો જશે. બાદમાં રાજ્ય સરકારના રાજ્ય અને કેબિનેટ કક્ષાના દરેક મંત્રી જનઆશીર્વાદ યાત્રા કરશે. દરેક મંત્રીના અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવશે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી પર જોડાશે. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને એકથી દોઢ વર્ષ બાકી છે ત્યારે આ નવતર પ્રયોગ કેટલો સફળ થશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: હરિદ્વાર અને ઋષિકેશ તરફ ગુજરાતીઓની દોટ, દર મહીને સ્વાસ્થ્ય અને યોગા માટે આટલા લોકો જાય છે ઉત્તરાખંડ
આ પણ વાંચો: બનાસકાંઠાના ઈકબાલગઢમાં માત્ર 15 જ મિનિટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ સાથે ખેતરોમાં પાણી ભરાયા