વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો
વિવાદોનું ઘર એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હવે યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ ડૉ. આનંદ ચૌહાણ સામે એક યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો. પીડિતાએ 2007 થી 2020 સુધી વારંવાર શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે કુલપતિને અરજી કરી છે. પીડિતાએ પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાના કહેવાથી વારંવાર શોષણ કર્યાના સનસનીખેજ આક્ષેપ પણ લગાવ્યા છે. ડૉ. આનંદ ચૌહાણ પહેલા વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે પીડિતાએ તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું જણાવ્યું. સાથે કામ કરતા સમયે અને પછી પીએચડીમાં પાસ કરાવી આપવાની કે યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાએ અગાઉ કુલપતિને વારંવાર કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો આગળ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે.
ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ આનંદ ચૌહાણે પોતાની પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા. ડૉક્ટર આનંદે કહ્યું કે હું ક્યારેય મહિલાને મળ્યો નથી. કે તેણે મારી સાથે ક્યારેય કામ પણ કર્યું નથી. આ મહિલા પીએચડીમાં પાસ ન થયા હોવાથી મારા પર ખોટા આક્ષેપ કરીને દબાણ ઉભુ કરી રહ્યાં છે.
તો સમગ્ર વિવાદ મામલે યુનિવર્સિટીના કુલપતિએ યુવતીના આરોપો ફગાવ્યા છે. અને માર્ક્સ વધારવા માટે યુવતી સતત અરજી કરતી હોવાનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો: શ્વેતક્રાંતિના 75 વર્ષ: સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અમિત શાહ