એનાલોગ પનીર પર પ્રતિબંધથી શુદ્ધ દૂધની માંગ વધશે, ખેડૂતોને સારા ભાવ મળશે: NDDB ચેરમેન – જુઓ Video
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ચેરમેન ડૉ. મિનેશ શાહે એનાલોગ પનીર પરના પ્રતિબંધને 'ડેરી ઉદ્યોગ' માટે લાભકારી ગણાવ્યો છે. તેમના મતે આ નિર્ણયથી નકલી ઉત્પાદનો અટકશે અને શુદ્ધ દૂધની માંગ વધશે, જેનાથી દૂધ ઉત્પાદક ખેડૂતોને સારા ભાવ મળશે. આ પ્રતિબંધ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ડેરી ફાર્મર્સ બંને માટે સકારાત્મક પરિવર્તન લાવશે.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ચેરમેન ડૉ. મિનેશ શાહે એનાલોગ પનીર પર સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને ડેરી ઉદ્યોગ માટે એક ખાસ પગલું ગણાવ્યું છે. TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આ પ્રતિબંધથી ડેરી ઉદ્યોગ વધુ સમૃદ્ધ બનશે અને સમગ્ર સપ્લાય ચેઇનને ફાયદો થશે.
ડૉ. શાહના મતે, એનાલોગ પનીર જેવી નકલી અથવા પ્રમાણભૂત ન હોય તેવી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતી ચેડાં અટકશે. ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ઉત્પાદનો મળી રહેશે, જે ફૂડ સેફ્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણય માત્ર ગ્રાહકો પૂરતો સીમિત નથી. એનાલોગ પનીર બનાવનારાઓએ હવે શુદ્ધ પનીર બનાવવા માટે વધુ દૂધ ખરીદવું પડશે.
આના પરિણામે, શુદ્ધ દૂધની માંગમાં નોંધપાત્ર વધારો થશે. દૂધની માંગ વધવાથી તેનો સીધો લાભ દૂધ ઉત્પાદક ખેડૂતોને મળશે, કારણ કે તેમને પોતાના દૂધ માટે વધુ સારા અને યોગ્ય ભાવ મળશે. ડૉ. મિનેશ શાહે ભારપૂર્વક જણાવ્યું કે, NDDB નો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા ખેડૂતોને તેમના દૂધનો સારો ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો છે અને આ નિર્ણય તે દિશામાં એક મોટું પગલું છે. આ પ્રતિબંધ ડેરી સેક્ટર, ખેડૂતો અને ગ્રાહકો ત્રણેય માટે એક સકારાત્મક બદલાવ લાવશે.
