સ્માર્ટ અને મેટ્રો સિટી સિટી એટલે અમદાવાદ. પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિકાસની વાત હોય તો અમદાવાદને અડીને આવેલા સાણંદના જુવાલ ગામના આ દ્રશ્યો ચોંકાવનારા છે. રસ્તાના વાંકે ગ્રામજનોનો વીજળીના થાંભલા પરથી ચાલીને અંતિમયાત્રા કાઢવી પડે છે. થોડા દિવસ પહેલા, વાલ્મિકી પરિવારના વ્યક્તિનું મૃત્યુ થતા કેનાલ પર મૂકેલા લાઇટના થાંભલા પરથી મહામુસીબતે નનામી લઇ જવાઇ. એટલું જ નહીં, આગળ તો કાદવ અને કીચડનું સામ્રાજ્ય. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, અહીંના ગ્રામજનોને અંતિમયાત્રા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. વ્યક્તિના જીવનના અંતિમમાર્ગે જવા માટે પણ માર્ગ નથી. જેને લઇ ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં તો વાત જ ના પૂછો એટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.
મહત્વનું છે, જુવાલ ગામે અંતિમયાત્રાના જે દ્રશ્યો આપ જોઇ રહ્યા છો તે 5 ઓગસ્ટના છે અંતિમયાત્રા દરમિયાન સ્વજને વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ત્યારે, સમસ્યા ઉજાગર થઇ. અહીં વાલ્મિકી સમાજના લોકોનું કહેવું છે, કે આ સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. તંત્રને અનેકો વખત રજૂઆત કરી છે છતાં, કોઇ સાંભળવા તૈયાર નથી. રસ્તો બનાવવાની વાતો તો ખૂબ કરવામાં આવી પણ ક્યારેય કોઇ ઉકેલ આવ્યો નહીં.
અંતિમયાત્રાનો વીડિયો જ્યારે મીડિયામાં પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું અને ઘટનાની જાણ થતા સાણંદ SDMએ સંબંધિત વિભાગોને સ્થળ પર જઇને તાત્કાલિક કામગીરી કરવા અને સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપ્યા.
હવે, જોવાનું રહ્યું કે સાણંદના જુવાલ ગામે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો ક્યારે બનાવાશે કે પછી વાયદાઓ કરીને તંત્ર ફરી આંખ આડા કાન કરે છે તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:34 pm, Fri, 9 August 24