Valsad : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડ જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઇ છે. મધુબન ડેમમાં દર કલાકે 65,380 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.
મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થવાના પગલે ડેમની જળસપાટી વધીને 78.60 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા તંત્ર દ્વારા 8 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે.સાથે જ નદીમાં 43,964 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ બન્યું છે અને નાગરિકોને નદી કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 21 માર્ગો બંધ થયા છે.