
સુરત રેલવે સ્ટેશન પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરીને અંદાજે 20 કરોડ રૂપિયાનું 2 કિલો શુદ્ધ કોકેઈન જપ્ત કર્યું છે. તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયેલા મુંબઈના એક શખ્સની ધરપકડ બાદ હવે તપાસ વધુ ગંભીર બની છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ કેસનો સંબંધ આંતરરાજ્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે પણ હોઈ શકે છે.
DRIને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાંથી ત્રણ અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા. ફોરેન્સિક તપાસમાં તેમાં રહેલો પાવડર કોકેઈન હોવાનું સ્પષ્ટ થયું હતું.
ટ્રોલી બેગમાં ચાલાકીથી છુપાવ્યું હતું ડ્રગ્સ: આરોપીએ પ્રતિબંધિત ડ્રગ્સને ટ્રોલી બેગમાં એવી રીતે છુપાવ્યું હતું કે સામાન્ય તપાસમાં તે નજરે ન ચડે. જોકે DRIની સતર્કતાના કારણે સમગ્ર કાવતરું નિષ્ફળ ગયું અને કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કરવામાં સફળતા મળી.
બાંગ્લાદેશ સહિત વિદેશી કનેક્શનની તપાસ: તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ અન્ય દેશોમાં પણ જઈ આવ્યો હતો. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે તેનો બાંગ્લાદેશ અથવા અન્ય વિદેશી ડ્રગ્સ નેટવર્ક સાથે કોઈ સંબંધ છે કે નહીં. અધિકારીઓ આરોપીના વિદેશ પ્રવાસ, સંપર્કો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ આ કોકેઈન દિલ્હીમાંથી મુંબઈ પહોંચાડવાનું હતું. જોકે ડ્રગ્સ કોની પાસેથી મેળવવામાં આવ્યું હતું અને મુંબઈમાં કોને સપ્લાય કરવાનું હતું તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. DRI આ સમગ્ર સપ્લાય ચેઇન અને તેની પાછળ કાર્યરત મોટા નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
DRIએ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે તપાસ એજન્સીઓ આરોપીના મોબાઇલ, મુસાફરીના રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસ તેજ કરી રહી છે.
સુરતમાંથી ઝડપાયેલું આ કોકેઈન રાજ્યમાં છેલ્લા સમયની સૌથી મોટી ડ્રગ્સ કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published On - 7:59 pm, Sat, 27 June 26