બોટાદ જિલ્લામા જમીન રિસર્વે કરવાને લઈ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (DILR) દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. જેને લઈ એસીબી એ છટકુ ગોઠવતા રંગે હાથ જિલ્લા નિરીક્ષક સંજય સવદાશભાઈ રાવલીયા ઝડપાઈ ગયા હતા. વર્ગ-2 ના અધિકારી દ્વારા 2 લાખ રુપિયાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ હપ્તાની રકમ એક લાખ રુપિયા લેવા જતા એસીબીની ટીમે તેમને રુબરુ ઝડપી લીધા હતા. સંજય રાવલીયાએ જમીન રિસર્વે કરવા માટે હેક્ટરદીઠ 40 હજાર રુપિયાની માંગણી કરી હતી. આ માટે થઈને રકઝક કરી વાત 20 હજાર રુપિયા નક્કી કરવામાં આવી હતી. આમ 10 હેક્ટર જમીન રિસર્વે કરવાને લઈ 2 લાખ રુપિયાની રકમ લાંચ પેટે માંગી હતી.
આ અંગે એસીબી કચેરીનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. જેને લઈ ભાવનગર એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક બીએલ દેસાઈ દ્વારા છટકાનુ આયોજન ગોઠવવામાં આવ્યુ હતુ. ટ્રેપિંગ અધિકારી તરીકે પોલી ઈન્સ્પેક્ટર આરડી સગર દ્વારા છટકા મુજબ નિરીક્ષકની કચેરીની ચેમ્બરમાંથી રંગેહાથ અધિકારી સંજય રાવલીયાને ઝડપી લીધો હતો. જિલ્લા સેવાસદન સ્થિત કચેરીમાં આવેલી ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારવા દરમિયાન ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:37 pm, Sun, 16 July 23