દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર, ડાલડા બંદર ઉપર કામ કરતા 33 હજાર માછીમારોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ડીઝલના ભાવ તેમને બજાર ભાવ કરતાં 3.70 રૂપિયા વધારે ચુકવવા પડે છે, હવે આવું કેમ તે સવાલ ઉભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામ નજીક આવેલા આર. કે. બંદર, ડાલડા બંદર પર 33 હજાર માછીમાર રોજીરોટી મેળવી રહ્યાં છે, પરંતુ હાલ તેમની ફિકર એ છે કે બોટમાં તેઓ જે પેટ્રોલ ભરાવે છે તેનો ભાવ 3 રૂપિયા 70 પૈસા વધારે ચુકવવો પડે છે, જ્યારે બજાર ભાવ સસ્તો છે, માછીમાર ભાઇઓની માગ છે કે તેમને માછીમારી માટે મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે, તે માટે તેમણે મુખ્યપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે.
હાલ જે ભાવે સાગરખેડૂઓને ડીઝલ મળે છે, તે જોતા તેમને કરોડો રૂપિયા વધારે ચુકવવા પડી રહ્યાં છે આ બાબતનું કારણ એ છે કે રોજ રોજ 200 જેટલી બોટ ડીઝલ ભરાવવા આવે છે અને એક બોટમાં 2થી 3 હજારનું ડીઝલ જાય છે તેમાં અંદાજીત રોજના બે લાખ લીટર ડીઝલનો વપરાશ થાય છે અને એક લીટરે 3.70 પૈસા ભાવ વધારો ગણવામાં આવે તો એ ગણતરી પ્રમાણે દરરોજ 7 લાખ 40 હજાર રૂપિયા વધારે ચુકવવાના થાય છે.
તેમાં પણ માછીમારી કરીને જે માછલીઓ બજારમાં વેચે છે તેમાં પણ ભાવ ન મળતા હવે રોજગારીનો પ્રશ્ન ઉદભવ્યો છે. હાલમાં માછીમાર ભાઈઓની માગ છે કે સરકાર દ્વારા રિફન્ડ સબસીડી આપવામાં આવે આમ, રાજ્ય સરકાર મુક્ત બજારના ડીઝલના બિલ માન્ય રાખે તો માછીમારોને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે સરકાર વહેલી તકે સાગરખેડૂઓની વ્યથા અને ચિંતા સમજી ઘટતું કરે તેવી તેમની માગ છે.