Gujarati Video: ખેડામાં વિનાશક વાવાઝોડામાં ખેતીને ભારે નુકસાન, 300 વીઘામાં કેળનો ઉભો પાક વિનાશક વાવાઝોડામાં ઢળી પડ્યો

| Edited By: | Updated on: May 30, 2023 | 11:15 PM

ખેડા જિલ્લામાં વિનાશક વાવાઝોડામાં ખેતીને ભારે નુકસાન થયું છે. રઢુ, વારસંગ, મહેલજ સહિતના ગામોમાં તબાહી સર્જાઈ છે. 300થી વધારે વીઘામાં કેળના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેતરોમાં ઉભેલો કેળનો પાક ભારે પવન ફૂંકાતા ઢળી પડ્યો છે.

Kheda: છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે કે ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. પહેલા અતિભારે વરસાદ, વાવાઝોડુ, કમોસમી વરસાદ અને હવે ફરી એકવાર વિનાશક વાવાઝોડાની સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. હાલમાં આવેલા વિનાશક વાવાઝોડામાં ખેડા જિલ્લાના ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ખેડા જિલ્લાના છેવાડા ગામો એવા રઢુ, વારસંગ, મહેલજ સહિતના ગામોમાં વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે.

આ પણ વાંચો : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

ખેડા જિલ્લાના છેવાડાના ગામો મુખ્યત્વે કેળની ખેતી સાથે સંકળાયેલા છે. કેળની ખેતીમાં પ્રતિ વીઘે અંદાજિત 50 હજારની આસપાસ ખર્ચ થાય છે. ખેડૂતોનો કેળનો ઉભો પાક તૈયાર હતો, ત્યાં જ આ વિનાશક વાવાઝોડુ ત્રાટક્યું અને ખેડૂતોની આશા અને ઉભા પાક પર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો કેળનો ઉભો પાક ઝડપી પવન ફૂંકાતા ઢળી પડ્યો. એક અંદાજ મુજબ આશરે 300 વીઘામાં કેળનો ઉભો પાક વિનાશક વાવાઝોડામાં ઢળી પડ્યો છે. કેળની સાથે સાથે બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાલ તો વિનાશક વાવાઝોડા સામે લાચાર બનેલા અને આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માગ કરી રહ્યા છે.

ખેડા  જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published on: May 30, 2023 11:07 PM