ધંધુકા (Dhandhuka) કિશન ભરવાડ હત્યા કેસ મામલે દિલ્લીના મૌલવી કમર ગની ઉસ્માની (Maulvi Kamar Gani Usmani)ની અટકાયત કરાઈ છે. ગુજરાત ATS (Gujarat ATS )એ મૌલાનાને દિલ્લીથી ઝડપી લીધો છે. મૌલવીને અમદાવાદ લાવી વધુ પૂછપરછ કરાશે. બીજી તરફ કિશન ભરવાડ હત્યા મામલે સમગ્ર ધંધુકામાં રોષ જોવા મળી રહ્યો છે. સજ્જડ બંધ પાળીને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી કિશન ભરવાડ હત્યા કેસની તપાસ હાલમાં ગુજરાત ATSને સોંપવામાં આવી છે. બીજી તરફ અત્યાર સુધીમાં કિશનની હત્યા મામલે બે મૌલવીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે દિલ્લીના મૌલવી કમર ગની ઉસ્માની અને અમદાવાદના મૌલવી ઐયુબે શબ્બીરને કિશનની હત્યા કરવા કહ્યું હતું. દિલ્લીના મૌલવીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
મુખ્ય આરોપી શબ્બીર એક વર્ષ પહેલા દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા હતા. 9 મહિના પહેલા શબ્બીર અને કમર ગની ઉસ્માની મુંબઈમાં પહેલીવાર મળ્યા હતા. બંને વચ્ચે ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે કડક પગલા લેવા જોઈએ તેવી વાતચીત થઈ હતી. કમર ગનીએ શબ્બીર અને જમાલપુરના મૌલવી ઐયુબની મુલાકાત કરાવી હતી. તપાસમાં એમ પણ ખુલ્યુ છે કે એક સપ્તાહ પહેલા કિશન ભરવાડની હત્યાનું ષડયંત્ર રચાયું હતું
કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે કિશન ભરવાડ હત્યાને લઇ ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ છે. તો બોટાદ જિલ્લાનું બરવાળા આજે સજ્જડ બંધ રહ્યું છે. હિન્દુ સંગઠનો અને વેપારીઓએ બંધ પાળી હત્યાની ઘટનાનો વિરોધ કર્યો. સાથે જ આરોપીને ફાંસીની સજાની માગણી કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઇ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને વિવાદ થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક કિશનની પોસ્ટ બાદ તેની હત્યાની સોપારી આપવામાં આવી હોવાની શક્યતા છે. એટલું જ નહીં હત્યા પહેલા રેકી પણ કરવામાં આવી હોવાની પોલીસને વિગતો મળી છે.
આ પણ વાંચો- Ahmedabad: નરોડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઇ