દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 16 ઓગસ્ટ ફરી આવશે ગુજરાત, ભુજમાં આપની બેઠકમાં રહેશે હાજર

|

Aug 15, 2022 | 4:34 PM

Bhuj: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 16મી ઓગસ્ટે ફરી ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ કચ્છના ભુજમાં આયોજિત આપની બેઠકમાં હાજરી આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે.

આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 ઓગસ્ટે ભુજ (Bhuj)માં આમ આદમી પાર્ટીની બેઠકમાં હાજર રહેશે. કહેવાય રહ્યું છે કે આ વખતે પણ કેજરીવાલ ગુજરાતની જનતાને કોઈ નવી ગેરેન્ટી આપી શકે છે. વિધાનસભા ચૂંટણી નજીક છે અને તે પહેલા કેજરીવાલ મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતા છે. આ પહેલા જ્યારે-જ્યારે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાત આવ્યા ત્યારે મતદારોને રિઝવવા નવી-નવી ગેરેન્ટીઓ આપી. હવે 16 તારીખે કેજરીવાલ શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

આ અગાઉ બુધવારે કેજરીવાલ અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન એસજી હાઈવે પર આવેલા એક હોલમાં મહિલાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપી હતી કે જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1 હજાર રૂપિયા સન્માન રાશિ આપશે. જેનાથી આ કારમી મોંઘવારીમાં માતા-બહેનોને આ યોજનાથી આર્થિક રાહત મળશે.

એ પહેલા કેજરીવાલે વડોદરા અને છોટાઉદેપુરના બોડેલીની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુરના બોડેલીમાં કેજરીવાલે સભા સંબોધી હતી અને આદિવાસી સમાજને સમાજને ઉદ્દેશીને કેજરીવાલે કહ્યું કે આદિવાસી સમાજ માટે બંધારણમાં જે અલગ જોગવાઈ કરવામાં આવી છે તેના પર કોઈ સરકાર કામ નથી કરી રહી. અમે તેમને ગેરંટી આપી રહ્યા છીએ. બંધારણમાં આદિવાસી સમાજને જે આપવામાં આવ્યું છે તે બધું અમે તેમને અપાવીશુ. PESA કાયદો લાવીને રહીશું.

Published On - 11:41 pm, Sun, 14 August 22

Next Video