Cyclone Biporjoy ગીરસોમનાથમાં વાવાઝોડાને લઈને તંત્રની સતર્કતા, સોમનાથમાં સમુદ્રપથ મુલાકાતીઓ માટે કરાયો બંધ
Gir Somnath: ગીરસોમનાથમાં વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. સોમનાથ મંદિર પાસે આવેલો સમુદ્રપથ મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. સમુદ્રપથ વોકવે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Gir Somnath માં બિપરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) ને લઈને તંત્ર સજ્જ થયુ છે. સોમનાથ મંદિર પાસે આવેલો સમુદ્રપથ મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. સમુદ્રપથ વોકવે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કોઈ મુલાકાતીઓ અહીં આવે નહીં આથી વોકવે પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે સોમનાથના દરિયાકિનારે તંત્રની ચૂક સામે આવી હતી અને દરિયાકાંઠે સહેલાણીઓ ફરી રહ્યા હતા. ત્યારે આજે વોકવે પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી ચુસ્ત પ્રતિબંધ લગાવી દેવાયો છે. બીજી તરફ મંદિરમાં પણ દર્શનાર્થીઓને દર્શન માટે ન આવવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ્સની કરાઈ વ્યવસ્થા
વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. તંત્ર અસરગ્રસ્ત વિસ્તારમાં શક્ય તમામ મદદ પહોંચાડી રહ્યું છે. હજારો લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરાયું છે. ત્યારે તંત્રની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ પણ અસરગ્રસ્તોની વહારે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે. સોમનાથ ટ્રસ્ટે 5 હજાર બુંદી અને ગાંઠીયાના ફૂડ પેકેટ તૈયાર કરીને દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્રને હસ્તગત કર્યા છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો