ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસ ઓછા થઈ ગયા હોવાનું માનીને લોકો માસ્ક વગર જાહેર સ્થળો પર બિન્દાસ્ત ફરતા થઇ ગયા છે. આ વચ્ચે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં (Gujarat National Law University) 34 વિદ્યાર્થીઓ એકસાથે કોરોના સંક્રમિત મળતા ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીને હાલ કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો છે. બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ લદાયો છે તો આ સ્થળ પર આરોગ્ય ટીમનું સતત મોનિટરીંગ છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયાનું માનીને ચાલતા લોકો માટે આ એક સાવચેતી રાખવાનું દર્શાવતો કિસ્સો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રીથી લોકોએ કોરોનાના નિયમો પાળવામાં સતર્ક થવાની જરુર છે.
ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના સંક્રમિત આવેલા 34 વિદ્યાર્થીઓ પૈકી 32 વિદ્યાર્થીઓની કોઈ હિસ્ટ્રી જ નથી. આ વિદ્યાર્થીઓમાંથી તમિલનાડુના એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે 33 જેટલા સંક્રમિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ સાત દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં 250 પૈકી 112 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આ કોરોનાના નવો વેરિએન્ટ છે કે કેમ તેને લઈ આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. કોરોના રેપિડ ટેસ્ટમાં એકસાથે વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત મળતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયુ છે અને યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પાસે કન્ટેઈનમેન્ટ ઝોનનું બોર્ડ લગાવાયું છે. અહીં સામાન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. લો યુનિવર્સિટી અને હોસ્ટેલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે હવે ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં XE વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો છે. જેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે. વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાતે આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રના વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો. તેમાં XE વેરિએન્ટ હોવાની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રના તે વ્યક્તિએ વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાત લીધી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-Education: ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માત્ર 5 દિવસનું વેકેશન ભોગવી શકશે! જાણો કારણ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો