કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ સંતના નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ, ભાજપના ધારાસભ્યે મંચ પરથી જ આપ્યો જડબાતોડ જવાબ !
શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે. આશરે 1400 બ્રાહ્મણોની હાજરી વચ્ચે થયેલા વિવાદનો વીડિયો વાયરલ થયો છે.
કચ્છના માંડવીમાં આયોજિત શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે મંચ પરથી જણાવ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે.” આ નિવેદનને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 1400 જેટલા બ્રાહ્મણો અને સમગ્ર સમાજમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
આ જ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે પણ હાજર હતા. તેમણે સ્વામીના આ નિવેદન પર મંચ પરથી જ વળતો પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બ્રાહ્મણ હંમેશા દાન સ્વીકારે છે, તે ક્યારેય ભીખ માંગતો નથી.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સ્વામીના નિવેદનનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં બ્રહ્મ સમાજ દ્વારા સ્વામી પાસે જાહેરમાં માફી માંગવાની ઉગ્ર માંગ ઉઠી છે, જેના કારણે પંથકમાં મોટો રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.