મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ,શક્તિસિંહે કહ્યું લોકોનો અવાજ બનશે ન્યાયયાત્રા, ભાજપે ગણાવ્યો રાજકીય જશ ખાટવાનો પ્રયાસ – Video
આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. 15 દિવસની આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ અપાયુ છે.જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં આયોજિત આ ન્યાયયાત્રા ગુજરાતમાં ઘટેલી મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના, સુરત તક્ષશીલા અગ્નિકાંડ, વડોદરાની હરણી બોટ દુર્ઘટના અને રાજકોટના અગ્નિકાંડના પીડિતોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેમના માટે ન્યાયની માગ કરવામાં આવશે. 300 કિમીની આ ન્યાયયાત્રાનું મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટનાના સ્થળેથી પ્રસ્થાન કરવામાં આવ્યુ છે.
એક તરફ આવતીકાલથી ભાજપની તિરંગા યાત્રા શરૂ થવાની છે. બીજી તરફ આજથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં સર્જાયેલી વિવિધ હોનારતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. કોંગ્રેસે તેને મુદ્દો બનાવીને પીડિત પરિવારોને સાથે રાખીને મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા મોરબીના દરબારગઢથી શરૂ કરવામાં આવી. 300 કિમીની આ ન્યાયયાત્રાની મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટનાના સ્થળેથી પ્રારંભ થયો. ત્યારબાદ યાત્રા રાજકોટ તરફ રવાના થશે. રાજકોટ બાદ યાત્રા સુરેન્દ્રનગર, અમદાવાદ અને પછી 23 ઓગસ્ટે ગાંધીનગર પહોંચશે ત્યારે રાજકોટના અગ્નિકાંડના કેટલાક પીડિત પરિવારો કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં નહીં જોડાય. 27 પૈકી 15 જેટલા પરિવારનો ન્યાય યાત્રામાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે: શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી છે. શક્તિસિંહે કહ્યુ 15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે, યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે.
“કોંગ્રેસના શાસનમાં ગુજરાતની પ્રજાને અન્યાય સિવાય કંઈ મળ્યું નથી” -ઋષિકેશ પટેલ
આ તરફ સુરતના તક્ષશિલાકાંડના પીડિત પરિવારો પણ યાત્રાથી અળગા રહેશે. સુરતના પરિવારોએ કહ્યું કેઅમારે આ બાબતે કોઈ રાજકીય મુદ્દો ઊભો નથી કરવો. મૃતદેહોના ઢગલા પર રાજનીતિ કરવાનું બંધ કરો. બીજી તરફ ભાજપે કોંગ્રેસની ન્યાયયાત્રાને રાજકીય જશ ખાટવાનો પ્રયાસ ગણાવ્યો છે. કરુણ ઘટનાઓ પર રાજનીતિ કરવાના પ્રયાસને ભાજપે વખોડ્યો છે. ભાજપના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ “કોંગ્રેસના શાસનમાં ગુજરાતની પ્રજાને અન્યાય સિવાય કંઈ મળ્યું નથી, કોંગ્રેસના શાસનમાં ગુજરાતનું દેશમાં ક્યાંય સ્થાન ન હતું, આ કોંગ્રેસની ન્યાયયાત્રા નહીં, તેણે કરેલા અન્યાયની પ્રાયશ્ચિત યાત્રા છે. ભાજપના શાસનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે”
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો