શાળાને કહેવાય છે ‘વિદ્યા મંદિર’ પરંતુ છોટાઉદેપુરના કોલીયારી ગામમાં આ જ વિદ્યા મંદિરની જર્જરિત દીવાલો વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે.
છોટાઉદેપુરના કોલીયારી ગામે વર્ષો જૂની શાળાનું બાંધકામ હવે એટલું જર્જરિત બની ગયું છે કે છતમાંથી પાણી ટપકે છે અને દિવાલોમાં પડેલી તિરાડો બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભો કરે છે. પોતાના બાળકોને જોખમમાં મોકલવાને બદલે વાલીઓએ રામકબીર મંદિરના પાકા મકાનમાં અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો. મંદિરમાં અભ્યાસ શરૂ કરાવ્યો હોવાથી બાળકોને વિવિધ ધાર્મિક પ્રસંગોપાત રજા પાડવાનો વારો આવતો હોય છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પર થઈ રહી છે.
મહત્વનું છે કે કોલીયારી ગામે દર પૂનમના દિવસે રામકબીર મંદિરમાં ધાર્મિક પ્રસંગ અને ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાતો હોય છે. જેના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.. તો આ તરફ વાલીઓની માંગ પણ મોટી નથી. બાળકોને માત્ર સુરક્ષિત છત, મજબૂત દિવાલો અને યોગ્ય વર્ગખંડ જોઈએ છે. મંદિર હાલ માટેનો આશરો છે, પરંતુ બાળકોનું ભવિષ્ય કાયમી વ્યવસ્થાની રાહ જોઈ રહ્યું છે.
વાલીઓની ચિંતા વચ્ચે તંત્રનું કહેવું છે કે જર્જરિત શાળાના કારણે બાળકોને હાલ મંદિરના પાકા મકાનમાં બેસાડવામાં આવ્યા છે. નવી શાળાના નિર્માણ માટેની દરખાસ્ત મંજૂરી માટે મોકલવામાં આવી છે.
Input Credit- Maqbul Mansuri- Chhota Udepur