હિંમતનગરમાં પેટ્રોલપંપમાં તસ્કર ત્રાટક્યા, ઓફિસમાં ઘૂસી 1.93 લાખની રોકડ રકમની ચોરી આચરી

| Updated on: Nov 26, 2023 | 11:35 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ ઠંડીના ચમકારા સાથે જ જાણે માઝા મૂકી છે. સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોથી લોકો પરેશાન બની ચૂક્યા છે. તો બીજી તરફ તસ્કરો હવે પડકાર રુપ બની રહ્યા છે. હિંમતનગર શહેર નજીક આવેલા પીપલોદી પાટીયા પાસે તસ્કરો એક પેટ્રોલપંપમાં ત્રાટક્યા હતા. જ્યાં 1.93 લાખ રુપિયાની મત્તાની ચોરી આચરી હતી.

સાબરકાંઠામાં ઘરફોડ અને વાહન ચોરી જાણે કે હવે સામાન્ય બની ગઈ છે. તો સ્થાનિકો પણ તસ્કરોને લઈ પરેશાન બની ચૂક્યા છે. હજુ થોડાક દિવસ અગાઉ નવી નક્કોર 4 મારુતિ કાર શો રુમના ગોડાઉનમાંથી ચોરી થવાની ઘટના નોંધાઈ હતી. હવે એ જ વિસ્તારમાંથી એક પેટ્રોલપંપમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. ઘટના બાદ હવે એ ડિવિઝન પોલીસે તસ્કર સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ

ઘટના અંગેના CCTV સામે આવ્યા છે અને જેમાં એક શખ્શ પણ નજર આવવાને લઈ પોલીસે હવે જે વીડિયો ફૂટેજ આધારે કડી મેળવવા માટે પ્રયાસ શરુ કર્યો છે. પેટ્રોલપંપના સંચાલક કિંજલ મહેતાએ આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 1 લાખ 93 હજાર રુપિયાની મત્તાની ચોરી તસ્કરોએ આચરી છે. પેટ્રોલપંપની ઓફીસના દરવાજાનો નકૂચો તોડીને તસ્કરે તોડીને કાઉન્ટરના ડ્રોઅર અને કબાટમાં રાખેલ સ્ટીલ પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો