Patan: પાણીની પાઇપલાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો કેસ, 10 દિવસથી ગુમ થયેલી યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ Video

|

May 19, 2023 | 4:12 PM

પાટણમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળવાના કેસમાં પાઇપલાઇનમાંથી મળેલો મૃતદેહ 10 દિવસથી ગુમ યુવતીનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઘટનામાં ગુમ થયેલી યુવતીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે તપસ હાથ ધરી છે.

પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી યુવતીના મૃતદેહ મળવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસને 10 દિવસ અગાઉ ગુમ થયેલી યુવતીના CCTV હાથ લાગ્યા છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે પાણીની લાઇનમાંથી મળેલો મૃતદેહ 10 દિવસથી ગુમ યુવતીનો હોઇ શકે છે. શક્યતાના આધારે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે યુવતીના મૃતદેહ પરથી મળેલો દુપટ્ટો અને સીસીટીવીમાં દેખાતી યુવતીના દુપટ્ટાના આધારે યુવતીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ DNA અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇને બેઠી છે. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : પાટણમાં પાણીની પાઈપલાઈનમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારની ઘટના

મહત્વપૂર્ણ છે કે 16મી મેના રોજ પાટણના સિદ્ધપુરની પાણીની લાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરની ઉપલી શેરી વિસ્તારમાંથી યુવતીના શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તો બીજા દિવસે પણ લાલ ડોશી વિસ્તારની પાણીની લાઇનમાંથી યુવતીના પગના ભાગના અવશેષો મળી આવ્યા હતા. પાણીની પાઇપલાઇનમાંથી યુવતીના શરીરના અવશેષો સહિત મૃતદેહ મળી આવતા સમગ્ર સિદ્ધપુરમાં ભારે ચકચાર ફેલાઇ છે. જોકે રહી રહીને જાગેલા પાલિકા તંત્રએ હવે પાણીની ઊંચી ટાંકીના દરવાજા પાસે CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:12 pm, Fri, 19 May 23

Next Video