Breaking News : સિંહોના મોત મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન, બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત
ગિરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા બે સિંહ બાળના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
અમરેલીના ગિરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા બે સિંહ બાળના મોત થતા વન વિભાગ દોડતું થયું છે. ગિરના જંગલોમાં એશિયાટિક સિંહોના સતત વધી રહેલા મોતને કારણે વન તંત્ર સાથે સ્થાનિકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે. ત્યારે હવે આ મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે.
બેબીસીયા વાયરસના કારણે સિંહોના મોત- અર્જુન મોઢવાડિયા
ગુજરાતમાં સિંહોમાં ફેલાતા બેબીસીયા વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે. આ મુદ્દે રાજ્યના મંત્રી એ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે બેબીસીયા વાયરસના કારણે બે સિંહોના મોત થયા છે. હાલ વન વિભાગ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ દ્વારા સંક્રમણને રોકવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સિંહોને સારવાર આપવામાં આવી રહી
મોઢવાડિયાએ જણાવ્યું કે આ વાયરસ મુખ્યત્વે ઈતરડીના કારણે ફેલાતો હોય છે અને ચેપગ્રસ્ત સિંહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનીટરીંગ સાથે સિંહોને સારવાર આપવામાં આવી રહી છે જેથી ચેપ વધુ ન ફેલાય.
તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે વન વિભાગની ટીમ મેદાનમાં સતત કામગીરી કરી રહી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે બેબીસીયા વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

