Breaking News : અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે
મેટ્રોસિટી અમદાવાદમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિકના નિયમન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં ટ્રાફિકના ભારણને ઘટાડવા ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યું છે. ટ્રાફિકના નિયમન માટે શહેરમાં “વોચ ટાવર” ગોઠવવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં ટ્રાફિકના સૌથી વધુ ભારણવાળા 10 વિસ્તારોમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગના દાવા મુજબ પહેલા ટ્રાફિક જવાન રોડ પર ઊભા રહી એનાઉન્સમેન્ટ કરતાં જરૂર હોય તો માઈકની મદદ પણ લેવાતી. પરંતુ પાછળની લાઈનમાં ઊભેલા લોકો સુધી અવાજ પહોંચી શકતો ન હતો. પરંતુ, હવે આ 9 ફૂટ ઊંચા ટાવર પર બેસવાથી ટ્રાફિક પોલીસને પણ યોગ્ય અંદાજ આવશે. અને તેમનો અવાજ પણ લોકો સુધી પહોંચશે.
આ સ્થળોએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ
- પકવાન
- ઈસ્કોન
- તાજ હોટેલ
- ભાડજ સર્કલ
- સિંધુભવન
- CTM
- એરપોર્ટ સર્કલ
- સ્વર્ણિમ નવરાત્રિ
ટ્રાફિક નિયમનો ભંગ
જો ટ્રાફિક નિયમનો ભંગ થઈ રહ્યો હશે તો ટ્રાફિક પોલીસ તરત જ સૂચના આપી શકશે. હાલ પકવાન, ઈસ્કોન, તાજ હોટેલ, ભાડજ સર્કલ સહિત સિંધુ ભવન વિસ્તારમાં વોચ ટાવર ગોઠવાયા છે. તો CTM, એરપોર્ટ સર્કલ અને સ્વર્ણિમ નવરાત્રિ સહિત કુલ 10 સ્થળો પર વ્યવસ્થા કરાઈ છે. જેથી ટ્રાફિકનો પ્રવાહ સરળ બનાવી શકાય. મહત્વની વાત એ છે કે વોચ ટાવર પર ટ્રાફિક જવાનને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટાવર પર ટ્રાફિક જવાન માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તડકો અને વરસાદથી બચવા ટાવર પર શેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂરી સામાન રાખવા માટે બોક્સ અને પાણીની વ્યવસ્થા પણ છે.
