Vadodara Breaking: SSG હોસ્પિટલમાં દવાની અછત અને સ્ટ્રેચરના ફાંફાં, સરકારી તંત્ર ક્યારે લાવશે કાયમી ઉકેલ?
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર કથળેલા વહીવટના કારણે ચર્ચામાં આવી છે. GMSCL દ્વારા પૂરતો સપ્લાય ન મળતાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી 350 જેટલી જીવનજરૂરી દવાઓની ભારે અછત સર્જાઈ છે. બીજી તરફ થોડા દિવસ અગાઉ દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતાં પરિજનો ઊંચકીને દોડવા મજબૂર બન્યા હતા, જેનાથી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી SSG હોસ્પિટલ ફરી એકવાર ગેરવહીવટના કારણે વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અતિમહત્વની દવાઓની દર્દીઓની સંખ્યા સામે 25 થી 30 ટકા જેટલી અછત સર્જાઈ છે. કુલ 1000 દવાઓમાંથી આશરે 350 દવાઓનો સ્ટોક ઓછો અથવા શોર્ટ સપ્લાયમાં હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસિઝ કોર્પોરેશન લિમિટેડ (GMSCL) તરફથી છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત સપ્લાય ન મળતાં તંત્રએ લોકલ ટેન્ડરથી ખરીદી કરી હોવાનો દાવો કર્યો છે.
દવાઓની અછત વચ્ચે વધુ એક શરમજનક તસવીર સામે આવી છે. ગંભીર હાલતમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતાં પરિવારજનો દર્દીને ઊંચકીને દોડવા મજબૂર બન્યા હતા. એક જ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના બનતાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે રોષ ફાટી નીકળ્યો છે.
વારંવાર સામે આવતી આવી બેદરકારી પાછળ સવાલ એ થાય છે કે શું સરકાર પૂરતું બજેટ નથી ફાળવતી કે પછી સ્થાનિક અધિકારીઓ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે? લાખો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન આ હોસ્પિટલની ખામીઓનું નિરાકરણ લાવવામાં સરકાર ક્યારે કડક પગલાં ભરશે તે મોટો સવાલ છે.

