અમદાવાદમાં અષાઢી બીજ (16 જુલાઈ)ના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે (14 જુલાઈ) જગન્નાથ મંદિરમાં પરંપરાગત નેત્રોત્સવ વિધિ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સનાતન પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા મોસાળેથી પરત ફર્યા બાદ તેમની આંખોમાં તકલીફ થતી હોવાનું માનવામાં આવે છે. આ માન્યતાને અનુસરીને દર વર્ષે નેત્રોત્સવ વિધિ યોજવામાં આવે છે. આ વિધિ દરમિયાન ભગવાનની આંખો પર વિશેષ પાટા બાંધી તેમની પ્રતિકાત્મક સારવાર અને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવશે.
નેત્રોત્સવના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં ભવ્ય મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એક હજારથી વધુ સાધુ-સંતો મહાપ્રસાદ ગ્રહણ કરશે, જ્યારે અંદાજે 25 હજારથી વધુ ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના રસોડામાં સેંકડો સેવકો દ્વારા પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મહાપ્રસાદમાં માલપુવા, દૂધપાક, પુરી, શાક, ભજીયા, કઢી અને ભાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ જગન્નાથજીના દર્શન કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન, બેઠક વ્યવસ્થા અને ભક્તોની અવરજવર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી હજારો શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે.
રથયાત્રા પૂર્વે યોજાતા નેત્રોત્સવ અને મહાભંડારાના આ આયોજનથી સમગ્ર જગન્નાથ મંદિર ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમથી ભક્તિમય બની ગયું છે. ભક્તો ભગવાન જગન્નાથના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.