Breaking News : સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, 30 લાખના મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત

| Updated on: May 09, 2026 | 1:09 PM

મોબાઈલ ચોરીના મોટા રેકેટનો લિંબાયત પોલીસે પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 7 આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે

સુરત શહેરમાં આંતરરાજ્ય મોબાઈલ ચોરીના મોટા રેકેટનો લિંબાયત પોલીસે પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 7 આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 110 ચોરાયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ ₹30.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ

આ સમગ્ર રેકેટનો ભેદ એક સામાન્ય પોલીસ કંટ્રોલ રૂમ કોલ પરથી ઉકેલાયો હતો. લિંબાયત વિસ્તારમાં એક બંધ મકાનમાં અજાણ્યા શખ્સો ઘૂસ્યા હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી કોઈ વ્યક્તિ તો મળી આવી નહોતી, પરંતુ ત્યાંથી 47 બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સ્થળ પરથી મળેલા પંખાના બિલના આધારે પોલીસે ઇલેક્ટ્રિક દુકાન સુધી પહોંચી CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે દુર્ગા કર્મકાર અને પ્રેમકુમાર મહંતોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગ ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. મોબાઈલ ચોરી માટે અલગ અલગ લોકોને ભાડે રાખવામાં આવતા હતા અને તેમને ₹2થી ₹3 હજાર સુધીનું કમિશન આપવામાં આવતું હતું. જ્યારે 100થી 150 જેટલા મોબાઈલ ભેગા થઈ જતા, ત્યારે આ સમગ્ર જથ્થો ઝારખંડ મોકલી આપવામાં આવતો હતો.

7 આરોપીઓ હજુ ફરાર 

તપાસ દરમિયાન ગેંગના મુખ્ય સૂત્રધાર શુભમ સુખદેવ નોનિયા સહિત અન્ય 7 આરોપીઓ હજુ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પણ આ ટોળકી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે. માત્ર સુરત શહેરમાં જ આ ગેંગ દ્વારા આચરાયેલા 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે કુલ 37 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Breaking News : વન્યજીવોને ગરમીથી બચાવવા કાંકરિયા ઝૂમાં એર કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us