Breaking News: રુપિયા 123 કરોડના ‘નલ સે જલ યોજના’ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ, મહીસાગરમાં CIDની મોટી કાર્યવાહી
મહીસાગર જિલ્લામાં સામે આવેલા ₹123 કરોડના નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. WASMO ની મહીસાગર કચેરીમાં કાર્યરત ચાર કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં સામે આવેલા ₹123 કરોડના ‘નલ સે જલ યોજના’ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. WASMO ની મહીસાગર કચેરીમાં કાર્યરત ચાર કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશકુમાર વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્રકુમાર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે.
આ ચારેય કર્મચારીઓ સોશિયલ વર્કર તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પાસે ખાનપુર, લુણાવડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો અલગ-અલગ ચાર્જ હતો. CID તપાસમાં ખુલ્યું છે કે આ કર્મચારીઓએ સરપંચો પાસેથી કોરા લેટરપેડ મેળવી ખોટી સહી કરીને સરકાર પાસેથી ફંડની માગણી કરી હતી.
કુલ 22 લોકોની ધરપકડ થઈ ચૂકી છે
આ સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 22 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ 12 તત્કાલિન કર્મચારીઓમાંથી 4 અને 111 ઈજારદારોમાંથી 14 ઈજારદારોને ઝડપવામાં આવ્યા હતા. હવે ફરિયાદમાં નામ ન હોવા છતાં અન્ય ચાર કર્મચારીઓને પણ સકંજામાં લેવામાં આવ્યા છે.
જો કે, બીજી તરફ ગંભીર આક્ષેપો પણ ઉઠી રહ્યા છે કે કૌભાંડમાં મોટા રોલ ધરાવતા અને કરોડોની રિકવરી બાકી રાખનારા કોન્ટ્રાક્ટરો હજુ પણ ખુલ્લામાં ફરી રહ્યા છે. સવાલ એ છે કે સરકાર ક્યારે રૂપિયા વસૂલશે અને ક્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને સાચા અર્થમાં પાણી મળશે?