Jamnagar : રિલ્સ બનાવવાના ચક્કરમાં નિયમો નેવે મૂકનાર લોકો સામે જામનગર પોલીસે કાર્યવાહી કરી છે. રિલ્સ બનાવવામાં લોકો એટલા આંધળા બની જાય છે કે- તેઓ શું કરી રહ્યા છે તેનું પણ તેમને ભાન નથી હોતું.. આવું જ કંઈક જામનગરમાં બન્યું છે. જ્યાં બેડી બંદર પર રસ્તાની વચ્ચોવચ ગરબા રમીને તેની રિલ્સ વાયરલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Jamnagar: જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફલો થયો, જુઓ Video
ટ્રાફિક અને રોડસેફ્ટીના નિયમોનો સરેઆમ ભંગ કરીને વીડિયો બનાવ્યો હતો. ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પણ લોકોએ કોઈ બોધપાઠ ન લીધો. રસ્તા પરથી કાર સહિત મોટાવાહનો પસાર થતાં હોય છે. તેમ છતાં જીવ જોખમમાં મૂકીને લોકોએ ગરબાની મજા માણી હતી કોઈ બગીચો હોય તો સમજી શકાય પરંતુ રસ્તા વચ્ચે ગરબા કરવા અસુરક્ષિત છે. તેથી જ આ મામલે પોલીસ એક્શનમાં આવી છે.
પોલીસે તપાસ કરતા રાસરસીયા ગરબા ક્લાસિસના સભ્યોનો આ વીડિયો હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈ પોલીસે ગરબા ક્લાસિસના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે ટ્વીટર પર લખ્યું છે કે- જાહેર રસ્તા પર નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરવામાં આવી છે. ગંભીર અકસ્માત થવાની શક્યતા હોવા છતાં રોડસેફ્ટીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. જેથી ગરબા ક્લાસિસના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.