Gandhinagar Breaking : ગિફ્ટ સિટીમાં દારૂની રેલમછેલ..! ગુજરાતીઓ માત્ર 2 વર્ષમાં 60,354 લિટર વિદેશી દારૂ ઢીંચી ગયા
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં અહીં 60,354 લિટરથી વધુ દારૂ વેચાયો છે, જેનાથી સરકારને ₹87.39 લાખની આવક થઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર ગૃહ પ્રધાને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વપરાશમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ પ્રધાને આ સત્તાવાર આંકડા રજૂ કર્યા હતા.
સરકારી વિગતો અનુસાર, છેલ્લા બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં કુલ 60,354 લિટરથી વધુ વિદેશી દારૂનું વેચાણ થયું છે, જેના થકી સરકારને ₹87.39 લાખની મોટી આવક થઈ છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે 1 ઓગસ્ટ 2024 થી 31 જુલાઈ 2025 સુધીના પ્રથમ વર્ષમાં માત્ર 3,716.28 લિટર દારૂનું વેચાણ થયું હતું. પરંતુ તેના પછીના વર્ષે એટલે કે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2026 દરમિયાન વેચાણમાં સીધો 15 ગણો ઉછાળો આવ્યો અને તે 56,638.19 લિટરે પહોંચી ગયું હતું. ગિફ્ટ સિટીમાં છૂટછાટ મળ્યા બાદ દારૂના વપરાશમાં આ જંગી વૃદ્ધિ જોવા મળી છે.

