Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ, પેમેન્ટ ન મળ્યાનો આરોપ જુઓ Video
છોટાઉદેપુરના નસવાડીમાં કોન્ટ્રાક્ટરે પાણીપુરવઠા પ્રધાન ઈશ્વર પટેલ સમક્ષ અધિકારીઓ વિરુદ્ધ વેદના ઠાલવી. તેમણે 180 કિલોમીટરની પાઇપલાઇનનું કામ કર્યું હોવા છતાં પેમેન્ટ ન મળ્યાની ફરિયાદ કરી. કોન્ટ્રાક્ટરનો દાવો છે કે અધિકારીઓની ભૂલ અને નિરીક્ષણના અભાવે તેમને હેરાનગતિ થઈ રહી છે. હવે તેમના બાકી નાણાં ક્યારે ચૂકવાશે તે જોવું રહ્યું.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક કોન્ટ્રાક્ટરે અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવતા પોતાની વેદના ઠાલવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે પાણીપુરવઠા પ્રધાન ઈશ્વર પટેલ નસવાડીમાં પાણીપુરવઠા યોજનાઓની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. પ્રધાનની ઉપસ્થિતિમાં કોન્ટ્રાક્ટરે જાહેર કર્યું કે તેને અધિકારીઓની ભૂલો અને ઉદાસીનતાના કારણે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરની મુખ્ય ફરિયાદ એ હતી કે તેણે 180 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરી દીધું છે, પરંતુ તેનું પેમેન્ટ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. તેણે પ્રધાન સમક્ષ સીધો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું તમારી અધિકારીઓની ભૂલના લીધે હું હેરાન થઉં છું. સાહેબ મેં 180 કિલોમીટર કેવી રીતે પાઈપલાઈન નાખી, સાહેબ અહીંયા લાઇટ કનેક્શન લેવું? બધો ખર્ચો કર્યો છે મેં જુઓ.
આ સમયે હાજર સંખેડાના ધારાસભ્યએ અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની ગેરસમજ છે. જોકે તેમણે પણ સ્વીકાર્યું કે કોઈ અધિકારી કામગીરી જોવા આવ્યા જ નથી. કોન્ટ્રાક્ટરે કરેલા કામ માટે વીજળી કનેક્શન સહિતના અનેક ખર્ચાઓ કર્યા હોવા છતાં, પેમેન્ટ ન મળવાથી તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા વડોદરાના પાંચ ધારાસભ્યોએ પણ અધિકારીઓ વિરુદ્ધ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ તેનો પણ હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. તેવામાં હવે કોન્ટ્રાક્ટરની આ નવી ફરિયાદથી સરકારી કામકાજ અને અધિકારીઓની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે. હવે જોવું રહ્યું કે કોન્ટ્રાક્ટરને તેના બાકી નાણાં ક્યારે ચૂકવવામાં આવે છે અને આ મામલે શું કાર્યવાહી થાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો