સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સમગ્ર મામલે એન્ટી રેગિંગ કમિટીએ નર્મદ યુનિવર્સિટીને સોંપેલા રિપોર્ટમાં હર્ષ પંડ્યા સહિત 7થી 9 રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગ થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના કારણ અંગે રિપોર્ટમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ નર્મદ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હર્ષ પંડ્યા સાથે પણ રેગિંગ થયું હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે પણ જવાબદારોને હાજર રહેવા નોટિસ પાઠવી છે.
બીજી તરફ, રિપોર્ટ યુનિવર્સિટીને સોંપાયા બાદ સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી ગયા હતા. મીડિયા અહેવાલો પ્રસારિત થયા બાદ હવે ડીનને ઈમરજન્સીમાં પરત બોલાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીને રિપોર્ટ સોંપ્યા બાદ ડીન રજા પર ઉતર્યા હોવાને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
સમગ્ર મામલે નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને રિપોર્ટ અંગે પૂછવામાં આવતા તેમણે રિપોર્ટને ખૂબ જ કોન્ફિડન્શિયલ ગણાવ્યો હતો અને તેના વિશે કંઈ કહી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.
હવે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટથી સુરત સિવિલ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં રેગિંગના ખુલાસા બાદ જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે અને સમગ્ર કેસમાં ડીન સહિતના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.