Breaking News : ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી!!! પ્રાચીન જૈન તીર્થ હોવાનો દાવો, જુઓ વિડીયો
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ એ મસ્જિદ કે જૈન મંદિર વચ્ચેના વિવાદ દરમિયાન હિન્દૂ સંત બાદ જૈન સમાજ પણ સામે આવ્યો છે. જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે ધાર્મિક સ્થળે પુરાતત્વ વિભાગે નિયમોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે શુદ્ધિકરણની માંગ કરી છે.
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ એ મસ્જિદ કે જૈન મંદિર વચ્ચેના વિવાદ દરમિયાન હિન્દૂ સંત બાદ જૈન સમાજ પણ સામે આવ્યો છે. જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે ધાર્મિક સ્થળે પુરાતત્વ વિભાગે નિયમોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે શુદ્ધિકરણની માંગ કરી છે. તેમણે વિવાદિત ધાર્મિક સ્થળનો જૈન સંપ્રદાય સાથે સંકળાયેલો ઇતિહાસ પણ જાહેર કરી વિવાદને નવો વળાંક આપ્યો છે.

ભોંયરામાં મૂર્તિઓ હોવાની સંભાવનાનો દાવો
જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજના જણાવ્યા અનુસાર તેમણે જામા મસ્જિદના કેટલાક શિલ્પ અને સ્થાપત્યો પ્રત્યક્ષ જોયા છે. જો કે, તેમને નીચે ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી જેથી નીચે વાસ્તવિકતા શું છે તેનો કોઈ ચોક્કસ ખ્યાલ નથી પરંતુ અન્ય સંતો અને મહાત્માઓ સાથેની ચર્ચા તેમજ ત્યાંની શિલ્પકળા જોતા, મસ્જિદના નીચેના ભાગમાં મૂર્તિઓ હોવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.

‘સમડી વિહાર’ના પ્રાચીન ઇતિહાસનો ઉલ્લેખ
વિવાદિત ધાર્મિક સ્થળનો જૈન સમાજ સાથેનો ઇતિહાસ પણ સંતે વર્ણવ્યો છે. એક વાયકા અનુસાર સદીઓ પહેલાં જંગલમાં રહેતી એક સમડી શિકારીના તીક્ષ્ણ બાણથી ઘાયલ થઈને જમીન પર તરફડતી હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતા જૈન સાધુઓએ આ પક્ષીને મરણાસન્ન હાલતમાં જોઈ અંતિમ ક્ષણોમાં તેને પવિત્ર ‘નમસ્કાર મહામંત્ર’ સંભળાવ્યો હતો જેના પ્રભાવથી સમડીએ અત્યંત શાંતિપૂર્વક દેહત્યાગ કરીને ‘સમાધિ મરણ’ મેળવ્યું હતું. આ મહામંત્રના પુણ્ય પ્રભાવથી તે જીવનો સીધો જન્મ લંકાના રાજપરિવારમાં રાજકુમારી તરીકે થયો. વર્ષો પછી જ્યારે લંકાની રાજસભામાં એક વેપારીના મુખેથી રાજકુમારીને ફરી આ જ નવકાર મંત્ર સાંભળવા મળ્યો ત્યારે ચમત્કારિક રીતે તેને તેના પૂર્વભવનું સમડી તરીકેનું જાતિસ્મરણ જ્ઞાન તાજું થઈ ગયું હતું. પૂર્વભવના ઉદ્ધાર બદલ ભરૂચની પવિત્ર ભૂમિ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા રાજકુમારી લંકાથી અઢળક સંપત્તિ લઈને ભરૂચ આવી અને જે સ્થાન પર પૂર્વભવમાં સમડી તરીકે તેનો જીવ ગયો હતો. બરાબર તે જ પવિત્ર જગ્યાએ તેણે આ ભવ્ય જૈન તીર્થ ‘સમડી વિહાર’ નું નિર્માણ કરાવ્યું હતું.

પુરાતત્વ વિભાગ સામે ઉપેક્ષાના આક્ષેપ
સંત અનુસાર ભવ્ય વારસો ભારતીય સંસ્કૃતિ માટે ગર્વ સમાન છે જે આશરે 700 થી 800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત થયેલો છે અને તેનાથી પણ વધુ પ્રાચીન હોવાની સંભાવના છે. જો કે, હાલની ચારેય બાજુની પરિસ્થિતિ જોતાં આ ઐતિહાસિક સ્થાપત્યની દયનીય હાલત પર જૈન સંતે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ધરોહરની સુરક્ષા યોગ્ય રીતે થવી જોઈએ. નવું બાંધકામ થયું છે તે ખોટું છે પુરાતત્વ વિભાગે ઉપેક્ષા કરી છે તેવા આક્ષેપ સાથે જૈન સંતે અહીં શુદ્ધિકરણ થવું જોઈએ તેવી તેમણે માંગ કરી હતી
ભરૂચની આ ઐતિહાસિક વિરાસત મસ્જિદ છે કે પ્રાચીન જૈન તીર્થ તે વિવાદ વચ્ચે જૈન સંતના નિવેદને નવો વળાંક આપ્યો છે. જૈન સમાજે કોઈ પણ ટકરાવ વગર આ સંસ્કૃતિની ધરોહરની યોગ્ય જાળવણી અને સુરક્ષા થાય તેવી અપીલ કરી છે. હવે તમામ નજર પુરાતત્વ વિભાગ પર ટકેલી છે કે તેઓ પોતાના કાયદા અને તટસ્થ નિયમો હેઠળ આ મામલે શું કાર્યવાહી કરે છે?


