Breaking News : અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં માધુપુરા માર્કેટમાં આવેલી એક જ દુકાનના 5 સેમ્પલ ફેઈલ થતાં તંત્રએ વેપારી સામે કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં નકલી અને હલકી ગુણવત્તાવાળું ઘી વેચતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં માધુપુરા માર્કેટમાં આવેલી એક જ દુકાનના 5 સેમ્પલ ફેઈલ થતાં તંત્રએ વેપારી સામે કાર્યવાહી કરી છે.
નકલી ઘી વેચતા વેપારીઓ સામે AMC તવાઈ
માધુપુરા માર્કેટમાં આવેલી એચ.પી. ફૂડ્સમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારી દ્વારા અલગ-અલગ બ્રાન્ડના ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મનપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ એકમો પર દરોડા પાડીને ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અનેક બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા હોવાનું સામે આવ્યું છે.
ફેક્ટરીઓ સામે કાર્યવાહીની વેપારીઓની માંગ
બીજી તરફ, દુકાનદારોનું કહેવું છે કે તેઓ જે-તે બ્રાન્ડ પાસેથી ઘી ખરીદીને તેનું વેચાણ કરે છે. તેઓ પોતે ઘીનું ઉત્પાદન કરતા નથી. આવી સ્થિતિમાં જો કોઈ બ્રાન્ડનું ઘી હલકી ગુણવત્તાવાળું સાબિત થાય છે, તો માત્ર દુકાનદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વેપારીઓની માંગ છે. આ મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો ઉત્પાદન જ હલકી ગુણવત્તાનું હોય તો તેની જવાબદારી ઉત્પાદકની પણ નક્કી થવી જોઈએ.
અધિકારીઓએ શું કહ્યું?
મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા સાબિત થયા છે, તેમની ફેક્ટરીઓ સુધી પણ ટીમ પહોંચી છે. સંબંધિત ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાની કાર્યવાહી બાદ હવે ઘીના ઉત્પાદનથી લઈને તેના વેચાણ સુધીની સમગ્ર ચેઇન પર તંત્રની નજર રહેશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.