એક બાજુ અમદાવાદ શહેરના ચાંદેખડામાં પરિવારે ખીરું બજારમાંથી લાવી ઢોંસા ખાતા બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો હજુ તો તાજો જ છે, ત્યાં હવે અમદાવાદના દેત્રોજમાં સેવ ખમણી ખાધા બાદ બાદ લોકો બીમારી પડ્યા હોવાની ઘટના સામે આવી છે. સેવ ખમણી ખાધા બાદ 60 લોકોની તબિયત લથડી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનની ઘટના સામે આવી છે. જેમાં ધાર્મિક કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી.સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી હતી. લોકોને સેવ-ખમણી ખાધા બાદ ઉલટી-ઉબકાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને લઈ દેત્રોજ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.
ડોક્ટરનું કહેવું છે કે, હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર છે. સ્થિતિ કંટ્રોલમાં છે. કોઈની તબિયત ગંભીર હોઈ તેવું લાગી રહ્યું નથી. ડોક્ટરનું કહેવું છે કે, સેવ ખમણી ખાધા બાદ તમામ લોકોની તબિયત લથડી હતી.