Breaking News: કચ્છમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા પરથી 9 પાકિસ્તાની સાથે નાપાક બોટ ઝડપાઇ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પર ઇન્ડિયન કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. બોટમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ શરૂ કરી છે.
ભારતની પશ્ચિમ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક સતર્કતા દાખવી રહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડે એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન બોટમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાતના સમયે કોસ્ટગાર્ડના જવાનો જ્યારે રૂટિન પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. એક પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી જણાતા સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી તેને ઘેરી લીધી હતી. બોટમાં સવાર તમામ 9 શખ્સોને રાઉન્ડઅપ કરી બોટ જપ્ત કરવામાં આવી છે.
હાલમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓને કિનારે લાવી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ શખ્સો માત્ર માછીમારીના ઈરાદે આવ્યા હતા કે પછી કોઈ નાપાક પ્રવૃત્તિ કે જાસૂસીના હેતુથી ઘૂસ્યા હતા, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. કચ્છનો દરિયાઈ વિસ્તાર સંવેદનશીલ હોવાથી અને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હોવાથી આ સમગ્ર મામલાને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
Input Credit: Nitin Garvha
