Botad lattha kand : લઠ્ઠાકાંડમાં મોતનો આંક 29 પર પહોંચ્યો, પોલીસ એક્શન મોડમાં, 13 લોકો સામે FIR અને 10 લોકોની અટકાયત કરી

|

Jul 26, 2022 | 12:47 PM

વધુ ત્રણના મોત સાથે અત્યાર સુધી મોતનો આંક 29 પર પહોંચી ગયો છે. વેજળકા ગામમાં વધુ બે જ્યારે પોલારપુર ગામમાં વધુ એકનું મોત થયું છે. જ્યારે ભાવનગરમાં 41 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 5 વ્યક્તિના હાલત ખૂબ ગંભીર છે

બોટાદના (Botad) બરવાળા ઝેરી દારૂ કાંડમાં (lattha kand) મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વધુ ત્રણના મોત સાથે અત્યાર સુધી મોતનો આંક 29 પર પહોંચી ગયો છે. વેજળકા ગામમાં વધુ બે જ્યારે પોલારપુર ગામમાં વધુ એકનું મોત થયું છે. જ્યારે ભાવનગરમાં 41 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 5 વ્યક્તિના હાલત ખૂબ ગંભીર છે અને અદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 લોકો દાખલ છે. તો અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ પણ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટના મામલે 13 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. તો અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત કરાઇ છે.

લઠ્ઠાકાંડ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ નિવેદન આપ્યુ છે કે, સમગ્ર બનાવની તપાસ બોટાદ પોલીસ કરી રહી છે. આ ઘટના મામલે 13 લોકો સામે FIR થઈ છે. તો 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો આશિષ ભાટિયાએ એમ પણ જણાવ્યુ છે કે, કેમિકલ સપ્લાય કરનાર અને આગળ મોકલનાર ડિસ્ટ્રીબ્યુટ કરનારની ઓળખ થઈ ગઈ છે. કેમિકલનો FSL રિપોર્ટ પણ આવી ગયો છે.

દર્દીઓની સંખ્યામાં સતત વધારો

લઠ્ઠાકાંડમાં સવારના 8 કલાકથી અત્યાર સુધીમાં 36 નવા કેસ સામે આવી રહ્યા છે. આ તમામ લોકોને 108 મારફતે બરવાળા, ધંધુકા અને ભાવનગરની હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યા છે. તો બીજીતરફ 3 મહિના પહેલા શાહીબાગમાં ACBને ફરિયાદ કરનાર લગધીરસિંહ ઝાલાનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેમનો આક્ષેપ છે કે બરવાળામાં ASI તરીકે નોકરી કરતા યાસ્મીબાનુ જડગીલા, હોમગાર્ડ પ્રકાશકુમાર અને હિતેનકુમાર હપ્તા વસૂલે છે. તેમની ઓડિયો ક્લિપ પણ છે. તેઓ દેશી દારૂના અડ્ડા ચલાવે છે.

આરોપીએ કરી ગુનાની કબુલાત

તો ATS અને SITની તપાસમાં ખુલાસો થયો છે કે દારૂ બનાવવા માટે મિથેનોલ નામના કેમિકલનો ઉપયોગ થયો હતો. આ કેમિકલ અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલી કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું. જયેશ નામના શખ્સે કેમિકલ ચોરીને તેમાંથી નશાકારક પદાર્થ બનાવ્યો હતો. બોટાદ ઝેરી દારૂ કાંડમાં મિથેનોલ સપ્લાય કરનાર જયેશ અને કેમિકલ મેળવનાર સંજય નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે AMOS કંપનીમાં ભાડે રહીને કેમિકલનું કામ કરતો હતો. 3 દિવસ પહેલા જ જયેશે 600 લીટર મિથેનોલ બોટાદના બુટલેગર સંજયને આપ્યું હતું. સંજયે કબૂલાત કરી છે કે તેણે અમદાવાદથી મિથેનોલ કેમિકલ મગાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં જયેશે કબૂલ્યું કે, અગાઉ પણ મિથેનોલ મોકલાઈ ચૂક્યું છે.

બીજી તરફ બરવાળા ઝેરી દારૂ કાંડ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે. મુખ્યપ્રધાને ગૃહવિભાગને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. CMએ રાજ્યના પોલીસ વડા સાથે વાત કરીને તાત્કાલિક તપાસનો આદેશ કર્યો છે. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સૂચના અપાઈ છે.

Published On - 12:23 pm, Tue, 26 July 22

Next Video