Botad: ગઢડામાં આવેલા BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, મૃતક વર્ષોથી મંદિરમાં પૂજારી તરીકે કરતા હતા સેવા
Botad: ગઢડામાં આવેલા BAPS મંદિરમાંથી વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે મળી આવેલ મૃતદેહ મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવતા વ્યક્તિનો છે.
બોટાદ (Botad) જિલ્લાના ગઢડામાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મળી આવેલ મૃતદેહ (Deadbody) પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિનો હોવાનુ જાણવા મળ્યુ છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર BAPS મંદિરમાં વર્ષોથી પૂજારી તરીકે સેવા આપતા વ્યક્તિનો મૃતદેહ હોવાનુ સામે આવ્યુ છે. જે વહેલી સવારે મંદિરના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગઢડામાં આવેલુ આ સ્વામીનારાયણ મંદિર BAPS સંસ્થાનુ મુખ્ય મંદિરો પૈકીનું એક છે. અને લાખો લોકોની આસ્થાનું સૌથી મોટુ કેન્દ્ર છે. ત્યારે મંદિરના કોઈ રૂમમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાને લઈને હજારો હરિભક્તોને એક મોટો આંચકો લાગ્યો છે. મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી પૂજારી તરીકે સેવા બજાવતા પ્રતાપસિંહ સિંધાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મંદિરના પટાંગણમાં આવેલા તેમના રૂમમાંથી આ મૃતદેહ મળ્યો છે.
BAPS મંદિરમાંથી મૃતેદહ મળતા પોલીસ થઈ દોડતી
ઘટનાને પગલે બોટાદ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. જેમા જિલ્લાના DYSPથી લઈને LCB, SOG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. જેમા કઈ રીતે આ ઘટના બની, તેમની મોત પાછળ શું કારણો છે તેની તપાસમાં લાગી ગયા છે. હાલ તો પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એવી કોઈ મુખ્ય કડીરૂપ માહિતી સામે નથી આવી. જો કે હાલ તો સહુ કોઈની નજર પોલીસની તપાસ પર અને મૃતદેહના પીએમ રિપોર્ટ પર ટકેલી છે. ત્યારબાદ જ જાણવા મળશે કે મૃત્યુ પાછળના ક્યાં કારણો છે.
ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી- બોટાદ
