ગાંધીનગરમાં લહેરાયો ભાજપનો ભગવો, કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે- ગાજ્યા મેઘ વરસ્યા નહીં. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી. તેમણે ભાજપના કાર્યકરો સહિત તમામ હોદ્દેદારોનો આભાર માન્યો. સીએમ ભુપેન્દ્ર પટેલે પણ સૌનો આભાર માન્યો અને લોકોએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો દાવો કર્યો.

ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો. જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક બેઠક પર જીત થઈ છે.. વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે.. જ્યારે ભાજપના 3 ઉમેદવારોની જીત થઈ છે.. આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર તુષાર પરીખે સ્વીકાર્યું કે ધાર્યા મુજબનું પરિણામ નથી મળ્યું પણ આગામી સમયમાં ધાર્યું પરિણામ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવાનો તેમણે દાવો કર્યો..

Click on your DTH Provider to Add TV9 Gujarati