ભુજના રતાડીયા ગામે માઈન લીઝ સામે ગામલોકો થયા લાલઘુમ, મંજૂરી અપાશે તો હાઈકોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી- Video
ભુજના રતાડીયામાં લાઈમસ્ટોન માઈન લીઝ સામે ગ્રામજનોનો વિરોધ. પર્યાવરણ અને ઐતિહાસિક સ્થળોને નુકસાનની આશંકા સાથે હાઈકોર્ટમાં જવાની માંગ .
ભુજ તાલુકાના રતાડીયા ગામે લાઈમસ્ટોન માઈન લીઝના મુદ્દે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત લીઝને લઈને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે માઈનિંગ લીઝને મંજૂરી આપવામાં આવશે તો વિસ્તારના પાણીના સ્ત્રોત, પશુધન અને પર્યાવરણ પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને ખેતી, પશુપાલન અને સ્થાનિક લોકોના જીવન પર તેની અસર થવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત લીઝ ઐતિહાસિક રામલગઢ અને ધાર્મિક સ્થળોની નજીક આપવામાં આવી રહી છે. આ મુદ્દે ગ્રામજનોએ ઐતિહાસિક વારસો અને ધાર્મિક સ્થળોની જાળવણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ માંગ કરી હતી કે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોની નજીક કોઈપણ પ્રકારની માઈનિંગ લીઝ આપવામાં ન આવે.
આ મુદ્દે ભુજ પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીની હાજરીમાં લોક સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. આ સુનાવણી દરમિયાન અંદાજે 17થી 18 લોકોએ મૌખિક રીતે પોતાની રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ રોજગારી, સ્થાનિક લોકોની સલામતી, પ્રદૂષણ અને પર્યાવરણને લગતા વિવિધ પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ લીઝને કારણે ઊભી થઈ શકે તેવી સંભવિત સમસ્યાઓ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. સાથે જ પાણી, પશુધન અને કુદરતી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે લીઝને મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો લાઈમસ્ટોન માઈન લીઝને મંજૂરી આપવામાં આવશે તો તેઓ આ નિર્ણય સામે તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. હાલ તો રતાડીયા ગામે માઈનિંગ લીઝનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જોવુ રહ્યુ કે લીઝ આપવામાં આવે છે કે હાલ આ નિર્ણયને રોકી દેવાશે.
