Bharuch : ભરૂચ જિલ્લો મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો ધરાવે છે.જિલ્લાના 9 તાલુકાઓમાં ઘણી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ GIDC ની કંપનીઓમાં દેશના અલગ – અલગ પ્રાંતથી આવીને વસવાટ કરનાર લોકો રોજગારી મેળવી રહ્યા છે. શ્રમજીવીઓ સાથે ગુનાહિત તત્વો પણ પગપેસારો કરે છે. ઔદ્યોગિક વસાહતોમાં ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનેગારોના આશ્રય ઉપર લગામ લગાવવા ભરૂચ પોલીસે મહત્વનું પગલું ભર્યું છે.
ભરૂચ જીલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર તથા લેબરોનુ નિયમોનુસાર પોલીસ વેરીફીકેશન કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અન્વયે પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા અમલીકરણ માટે આદેશ કરાયા છે.
અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર દ્વારા જાહેરનામાનું અમલીકરણ કરાવવા માટેની સ્થાનિક પોલીસ સ્ટેશનનો ટીમ તરફ સુચના આપવામાં આવી હતી. લોકેશ યાદવ – IPS અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટેનાઓ તરફથી અંકલેશ્વર GIDC પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ કંપનીઓનું ચેકીંગ કરી કંપનીમાં નોકરી કરતા કર્મચારી, કોન્ટ્રાક્ટર તેમજ મજુરોનુ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તેવા કુલ-62 કંપનીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને શોધી કાઢ્યા હતા.
આ 62 કંપનીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને નોટીસ આપી દિન-૧ માં રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ પોલીસે 35 લાર્જ સ્કેલ કંપનીઓના HR હેડ સાથે મીટીંગ યોજી તેઓને પોલીસ વેરીફીકેશનની પ્રક્રિયા પણ દિન-૧ માં પુર્ણ કરવા તાકીદ કરી કામગીરી પુર્ણ ના થાય તો નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહેવા ચીમકી પણ આપવામાં આવી હતી.