Bharuch : પ્લાસ્ટિક સામે પાલિકાનું કડક વલણ, 650 કિલો પ્લાસ્ટિક કબ્જે કરી 80 હજારનો દંડ વસુલ્યો

| Updated on: Jan 20, 2026 | 1:53 PM

ભરૂચ શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણલક્ષી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં ગંદકી ફેલાવનાર અને પર્યાવરણ માટે જોખમી પ્લાસ્ટિકના ઉપયોગ સામે નગરપાલિકા હવે કડક વલણ અપનાવી રહી છે.

ભરૂચ શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણલક્ષી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં ગંદકી ફેલાવનાર અને પર્યાવરણ માટે જોખમી પ્લાસ્ટિકના ઉપયોગ સામે નગરપાલિકા હવે કડક વલણ અપનાવી રહી છે.

વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ડ્રાઇવ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે અસરકારક કાર્યવાહી થાય તે માટે આ ટીમ કાર્યરત કરાઈ છે. સેનેટરી ઇન્સ્પેકટર ભૂમિ સેવકની આગેવાની હેઠળ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બજારો, કોમર્શિયલ વિસ્તાર, રેસ્ટોરન્ટ્સ , રેકડીઓ અને તેમજ જાહેર સ્થળોએ ચેકીંગ કરી ગંદકી ફેલાવનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે

નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિના થી સતત આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાએ એક મહિનાના ગાળામાં અંદાજે 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે સાથે પર્યાવરણ માટે અત્યંત જોખમી એવા પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન કુલ 650 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે જે શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ મજબૂતી આપે છે. વેપારીઓ ગ્રાહકોને સમાન આ પ્રતિબંધિત થેલીઓમાં આપતા હતા જે પ્લાસ્ટિક પ્રાણીઓ માટે પ્રાણઘાતક બનતું તેમજ ગટરોને જામ કરતું હતું.

પ્લાસ્ટિક પશુઓ અને પર્યાવરણ માટે જોખમી

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ આ પ્રકારની ડ્રાઇવ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.