ભાદરવી પૂનમના મેળા પહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટ ફરતે પ્રોટેક્શન જાળી મુકવા ઉઠી માગ- Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે આ મેળામાં લાખો પદયાત્રિકો આવે છે. જો કે હાલ મેળા પહેલા આ પદયાત્રિકોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. ત્રિશુળિયા ઘાટ પરની ભેખડો ધસી પડવાને કારણે પદયાત્રિઓ પર જોખમ રહેલુ છે.
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. અંબાજી પહોંચતા પદયાત્રીઓ માટે દાતા-અંબાજી માર્ગ પર ભેખડ ધસી પડવાનું જોખમ છે. ત્રિશૂળિયા ઘાટ પરની ભેખડોના કારણે પદયાત્રીઓ પર જોખમની ભીતિ છે. ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા હતા એટલે ત્રિશૂળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. હવે ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ઘસી પડવાની ઘટના બને છે. ત્યારે પદયાત્રીઓની સલામતી માટે યાત્રાળુઓના માર્ગ પર પ્રોટેક્શન જાળી લગાવવાની માગણી ઉઠી રહી છે.
ભલા રાજપૂત નામના પદયાત્રિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રિકોનો ધસારો વધુ રહે છે. હાલ વરસાદી સિઝન પણ ચાલી રહી છે, ત્યારે ચાલતા આવતા પદયાત્રિકોના માથે ભેખડો ધસી પડવાની અને જાનહાનિ થવાની ભીતિ રહેલી છે. આથી સમગ્ર ત્રિશુળિયા ઘાટ પર જાળી લગાવવી અત્યંત જરૂરી છે આથી સરકારે તેના માટે વિચારવુ જોઈએ અને સત્વરે જાળી લગાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ.
સાત દિવસ બાદ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે અને દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રિકો આ મેળામાં આવનાર છે ત્યારે જોખમી બનેલા ત્રિશુળિયા ઘાટને જાળી લગાવવી અત્યંત જરૂરી છે.
Input Credit- Atul Trivedi- Banaskantha