Banaskantha: અહીં લોકોએ કર્યો કાશ્મીર અને શિમલાનો અનુભવ, જુઓ બરફથી આચ્છાદિત આ નજારાનો અદભુત Video
વાહનો ઉપર તેમજ જમીન પર બરફનું પાતળું સ્તર જોવા મળ્યું હતું. જયાં જ્યાં બરફ હતો ત્યાં શહેરીજનોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી અને વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ કાશ્મીર અને શિમલાના વાતાવરણમાં હોય તેવો અનુભવ કર્યો હતો.
બનાસકાંઠના ડીસાના કાંટ ગામમાં કાર પર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. ડીસા શહેરનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું નીચું ગયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખેણી અને ડીસામાં બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. વાહનો ઉપર તેમજ જમીન પર બરફનું પાતળું સ્તર જોવા મળ્યું હતું. જયાં જ્યાં બરફ હતો ત્યાં શહેરીજનોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી અને વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ કાશ્મીર અને શિમલાના વાતાવરણમાં હોય તેવો અનુભવ કર્યો હતો.
હાડ થીજવતી ઠંડીથી લોકોના જનજીવન પર અસર
આગામી બે દિવસ સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી હતી કે આગામી બે દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડશે. ત્યારબાદ બે દિવસ સામાન્ય ઠંડી રહેશે. જોકે પાંચ દિવસ બાદ ફરી ઠંડીનું પ્રમાણ વધશે. હાલ ઉત્તર દિશાના પવન ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પ્રતિ કલાકે 18 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે.
રાજ્યમાં જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 02 ડિગ્રી થઈ ગયું હતું જે સામાન્ય કરતાં 8 ડિગ્રી ઓછું હતું. તો અમદાવાદમાં પણ જાણે શીત લહેરનો અનુભવ થતો હોય તેમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું હતું.
મોડી સાંજથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ 4 જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો હતો. તેમજ દરેક શહેરોમાં સામાન્ય કરતા તાપમાનમાં 7થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.