બનાસકાંઠા: દાંતીવાડાના ઝાત ગામે સીપુ નદીમાં 30 ફૂટના ખાડા પાડી ગેરકાયદે ખનન, તંત્રને મેઇલ કરનાર આશાસ્પદ યુવકનું ડમ્પરની અડફેટે મોત
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઝાત ગામે સીપુ નદીમાંથી નિયમોને નેવે મૂકીને થતી ભારે ખનીજ ચોરી વિરૂદ્ધ ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો છે. લીઝધારકો રોયલ્ટી ચૂકવ્યા વિના 3 ફૂટના બદલે 30 ફૂટ ઊંડા ખાડા ખોદીને ગેરકાયદેસર ખનન કરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ઝાત ગામે સીપુ નદીમાંથી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. ગ્રામજનોનો ગંભીર આરોપ છે કે, ખનીજ માફિયાઓ અને લીઝધારકો કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વિના તથા રોયલ્ટી ચૂકવ્યા વગર ખનન પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. નિયમ મુજબ માત્ર 3 ફૂટ સુધી જ ખોદકામ કરવાની મંજૂરી હોવા છતાં નદીના પટમાં 30 ફૂટ સુધી ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે.
ગામમાંથી દિવસ-રાત પસાર થતા ઓવરલોડેડ ડમ્પરો અને ટ્રકોના કારણે અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. એક સપ્તાહ અગાઉ જ નદીમાંથી બેફામ ગતિએ રેતી ભરીને દોડતા એક ડમ્પરની અડફેટે આવતા ગામના એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ચોંકાવનારો આક્ષેપ છે કે, આ મૃતક યુવકે અકસ્માતના થોડા દિવસો પહેલા જ આ ગેરકાયદેસર ખનન અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે ઓફિશિયલ મેઇલ કર્યો હતો અને ત્યારબાદ જ ડમ્પરની ટક્કરે તેનું મોત થયું હતું.
આ ગંભીર ઘટના બાદ ખનીજ વિભાગના અધિકારીએ લુલો બચાવ કરતા જણાવ્યું કે, અગાઉ આ અંગે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોના આક્રોશ અને માંગણીને ધ્યાનમાં રાખીને ફરીથી એક ટીમ તપાસ માટે સ્થળ પર મોકલવામાં આવશે. બીજી તરફ, ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગુનેગારો અને ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.