બનાસકાંઠા ખેતીવાડી અધિકારીએ કહ્યુ-ખેતીમાં નુક્સાન નથી થયું, સમસમી ઉઠેલા ખેડૂતોના ટોળા કચેરીએ પહોંચ્યા
ગુજરાતમાં કમોસમી વરસાદે અનેક ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. અનેક જિલ્લા અને વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી કમોસમી માવઠાએ વધારી દીધી છે. અનેક ખેડૂતોએ પારાવાર નુક્સાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ નુક્સાન સર્વે કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન બનાસકાંઠાના ખેતીવાડી અધિકારીની નિવેદન સામે ખેડૂતો રોષે ભરાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદને લઈ અનેક વિસ્તારોમાં મોટુ નુક્સાન થયુ છે. કમોસમી વરસાદ ભારે કરા સાથે વરસવાને લઈ ખેતરોમાં રીતસરની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. જ્યારે બટાકાની વાવણીના બેડમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ ખેડૂતોએ નુક્સાની વેઠવાની સ્થિતિ આવી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ પૂરતો અભ્યાસ કર્યા વિના જ નિવેદન કર્યુ હતુ કે, નુક્સાન થયુ નથી. આમ આવા બેજવાબદાર ભર્યા નિવેદનને લઈ ખેડૂતો રોષે ભરાયા હતા.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
ખેડૂતોમાં રોષ ફેલાયો હતો કે, નુક્સાનની સ્થિતિ હોવા અંગે પૂરતો સ્થળ અભ્યાસ કર્યા વિના જ અધિકારી દ્વારા આવા નિવેદન ખેડૂતોને વધારે નુક્સાન પહોંચાડવા માટે પૂરતા છે. આવા નિવેદનને પગલે અધિકારી આવા જ અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપે એવી સ્થિતિમાં ખેડૂતોને અન્યાય સર્જાઈ શકે છે. આમ ખેતીવાડી અધિકારીના નિવેદનના વિરોધમાં ખેડૂતોએ કચેરી ખાતે પહોંચી જઈને વિરોધ કર્યો હતો.
